હમ કૌન બનેગા કરોડપતિ સે બોલ રહે હૈ, અાપકે સિમકાર્ડ પર ૨૫ લાખકી લોટરી લગી હૈ

અમદાવાદ: ‘હમ કૌન બનેગા કરોડપતિ સે બોલ રહે હૈ, અાપકે સીમકાર્ડ પર ૨૫ લાખકી લોટરી લગી હૈ અાપકા નંબર અમિતાભ બચ્ચનને લકી ડ્રોમે નીકાલા હૈ’ આવા કોલ્સ + ૯૨ અથવા ૦૦૯૨ નંબર પરથી ગઠિયાઓ દ્વારા કરીને લોકોને ઇનામની લાલચ આપી ફસાવતા હોવાનું બહાર આવ્યું છે.
અગાઉ પણ આવા ફોન કોલ્સ અમદાવાદના લોકોને આવ્યા હતા. મુંબઇમાં લોકોને આવા કોલ્સ મળતા થયા છે અને ગઠિયાઓએ ગુજરાતમાં પણ આ ફોન કોલ્સ કરી લોકોને છેતરવાની શરૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

મુંબઇ અને તેની આસપાસના વિસ્તારોમાં લોકોને ફોન આવી રહ્યા છે. પાકિસ્તાનથી + ૯૨ અથવા ૦૦૯૨થી શરૂ થતા નંબરો પરથી ફોન આવે છે અને લાખો રૂપિયાની લોટરી લાગ્યાની લાલચ આપે છે. ફોન કરનાર ઠગ એક બેન્ક એકાઉન્ટ નંબરમાં પૈસા ભરાવે છે અને પોલીસ જ્યારે બેન્ક એકાઉન્ટની તપાસ કરે તો તે ખોટું અથવા બીજાને નામે હોય છે.

ફોન કરનાર ઠગ સામેવાળી વ્યક્તિને પોતાના સિમકાર્ડના ચાર અંક જણાવે છે, જેથી સામેવાળી વ્યક્તિ તે ચાર અંક જોતાં સાચા હોય છે અને તે ખુશ થઇ જાય છે. બાદમાં તેઓને વિશ્વાસમાં લઇ કૌન બનેગા કરોડપતિના હોસ્ટ અમિતાભ બચ્ચનને લોટરીના ચેક પર સહી કરવાની છે અને તેની પ્રક્રિયામાં પૈસા થશે તેમ કહી બેન્ક એકાઉન્ટમાં પૈસા ભરાવે છે.

આવા મોટા ભાગના કોલ્સ પાકિસ્તાનથી આવે છે. અમદાવાદમાં પણ આવા ફેક કોલ્સ લોકોને આવ્યા હતા, જેમાં ઇનામની લાલચ આપવામાં આવી હતી. મુંબઇમાં ફરી આવા કોલ્સ શરૂ થતાં ગુજરાતમાં પણ આવા ફેક કોલ્સ શરૂ થાય તેવી શક્યતા જણાઇ રહી છે, જેથી લોકોએ સાવધાન રહેવાની
જરૂર છે.

You might also like