કેટ અગ્નિપરીક્ષામાં નિષ્ફળ રહી

કેટરીના કૈફે એ વાત સપનામાં પણ વિચારી ન હતી કે બોક્સ ઓફિસ પર ‘બાર બાર દેખો’ ફિલ્મની આવી દુર્દશા થશે. તેણે ફિલ્મના પ્રમોશનમાં પણ પોતાનો જીવ રેડી દીધો હતો. તેણે ખૂબ જ દુઆઓ પણ માગી હતી, પરંતુ ફિલ્મ પર ન તો પ્રમોશનની કોઇ અસર દેખાઇ, ન તો દુઆઓની. દર્શકોએ આ ફિલ્મને સંપૂર્ણ રીતે નકારી દીધી. બીજી તરફ ફિલ્મ સમીક્ષકોએ પણ ફિલ્મની ખૂબ જ ટીકાઓ કરી. સમીક્ષકો અને દર્શકોના ઠંડા રિસ્પોન્સની સાથે-સાથે સોશિયલ મીડિયા પર ફિલ્મનો એક પબ્લિક રિવ્યૂ વાઇરલ થયો, જેમાં લોકો ફિલ્મ મેકર અને ડિરેક્ટરની ટીકાઓ કરતા હતા. કેટલાકે એમ પણ કહ્યું કે કેટરીનાની કરિયરની આ સૌથી ખરાબ ફિલ્મ છે.

કેટરીનાની કરિયર લાંબા સમયથી ડામાડોળ બની છે. બોક્સ ઓફિસ પર જે રીતે તેની ફિલ્મ ફ્લોપ જઇ રહી છે તે જોતાં કેટ પણ ચિંતિત છે. તેને એવી આશા હતી કે ‘બાર બાર દેખો’ તેની ડૂબતી કરિયરને બચાવી લેશે, પરંતુ તેમ ન થયું. રણબીર કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ થોડા દિવસ અપસેટ રહીને બાદમાં ખુદને સંભાળી ચૂકેલી કેટરીનાએ પોતાની કરિયર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો દાવો તો કર્યો, પરંતુ કદાચ તે એમ કરી શકી નથી.

ફિલ્મમાં સેક્સી અને સુંદર લુક માટે કેટરીનાએ વજન પણ ઘટાડ્યું, જેથી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેની જોડી જામી જાય, પરંતુ આ બંનેની જોડીને સહેજ પણ પસંદ ન કરાઇ. આ ફિલ્મની નિષ્ફળતામાં એક વાત એ પણ છે કે કેટરીનાને લોકો નવા એક્ટર્સ સાથે પસંદ કરતા નથી. આ પહેલાં પ્રદર્શિત થયેલી ‘ફિતૂર’ ફિલ્મની પણ આવી જ હાલત થઇ હતી. આ ફિલ્મમાં કેટની સાથે આદિત્ય રોય કપૂર હતો. કેટરીનાએ અત્યાર સુધી મેચ્યોર્ડ અને સિનિયર અભિનેતાઓ સાથે કામ કર્યું છે. આવામાં જ્યારે તેણે નવા કલાકારો સાથે કામ કર્યું તો લોકોને આ જોડી ન ગમી. બીજો માઇનસ પોઇન્ટ હતો ફિલ્મની કહાણી. કેટરીના જે પ્રકારની ફિલ્મો પસંદ કરી રહી છે તે વિષયો દર્શકોને આકર્ષતા નથી. કેટરીનાએ શાહરુખ, સલમાન અને આમિર જેવા કલાકારો સાથે કામ કર્યું છે. આમ જોવા જઇએ તો તે ફિલ્મોની સફળતાનું શ્રેય નાયકોને જ હોય છે. કેટરીના કૈફ તો ગ્લેમર ડોલની જેમ આ ફિલ્મોમાં જોવા મળી છે અને ફિલ્મો સફળ રહી તેથી ફિલ્મની સફળતાનું શ્રેય તેને પણ મળી ગયું. તેની કરિયરની અગ્નિપરીક્ષા તો ત્યારે થઇ જ્યારે ‘ફિતૂર’ ફિલ્મ આવી, કેમ કે ‘ફિતૂર’માં આદિત્યની સરખામણીએ કેટરીના ઘણી સિનિયર હતી. તેથી દર્શકોને તેના પર વધુ આશા હતી, જોકે દર્શકો કેટ પાસેથી વધુ આશા રાખતા હતા, પરંતુ બંને વખત કેટ લોકોની આશાઓ પર ખરી ન ઊતરી. •

You might also like