વડોદરા બાદ સુરતમાં પણ દબાણનાં મુદ્દે પોલીસ અને પ્રજા સામસામે

સુરત : કતારગામ વિસ્તારમાં આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી દબાણ હટાવવાની બાબતે મામલો બિચકતા પોલીસ અને પ્રજા સામસામે આવી ગયા હતા. સુરતનાં કતારગામ ખાતે પાલિકાનો એક ખાલી પ્લોટમાં શાળા બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. જો કે ખાલી પ્લોટ પર ઝુંપડપટ્ટી બનેલી હતી. જેને હટાવવા માટે કોર્પોરેશનની ટીમ પોલીસ પ્રોટેક્શ સાથે ત્યાં પહોંચી હતી. જો કે સ્થાનિકોએ તેનો વિરોધ કરતા પોલીસે તેઓને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સ્થાનિકોએ પોલીસની વાત માનવાનાં બદલે હાથચાલાકી ચાલુ કરી દીધી હતી. જેનાં પગલે ચાર પોલીસ સ્ટેશનમાંથી સ્ટાફ બોલાવીને મોટા પ્રમાણમાં કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.
કતારગામ વિસ્તારમાં આવેલી ભરીમાતાનાં ઓવારા પાસે પાલિકાનો એક પ્લોટ છે. આ પ્લોટ પર પાલિકાએ શાળા માટે આયોજન કર્યું હતું. જો કે ગેરકાયદેસર ઝુંપડા બાંધીને રહેતા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. તેઓએ પોલીસ સાથે હાથ ચાલાકી કરી હતી. જેથી પહેલા પોલીસ સ્ટાફે લાઠીચાર્જ દ્વારા લોકોને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે વણસી રહેલી પરિસ્થિતીને જોતા આસપાસનાં પોલીસ સ્ટેશનમાંથી મોટા પ્રમાણમાં પોલીસ બોલાવી લેવાઇ હતી. જો કે સ્થાનિકોએ તે દરમિયાન પાલિકાનાં સ્ટાફ સાથે તથા પોલીસ સાથે ધક્કામુક્કી કરી હતી.
જો કે બીજા પોલીસ સ્ટેશનોમાંથી સ્ટાફ બોલાવી લેવાયા બાદ પરિસ્થિતી થાળે પડી હતી. કોર્પોરેશનની ટીમ દ્વારા તમામ ઝુપંડપટ્ટી હટાવી લેવાઇ હતી. પ્લોટ ચોખ્ખો કરી દેવાયો હતો. હવે કોર્પોરેશન દ્વારા ત્યાં શાળાનું બાંધકામ ચાલુ કરી દેવામાં આવશે. અત્રે નોંધનીય છે કે પરિસ્થિતી વણસ્યા બાદ પોલીસે કતારગામ, મહિધરપુરા, અમરોલી અને ચોકબજાર પોલીસ સ્ટેશનનાં સ્ટાફને બોલાવી લીધ હતો. તે ઉપરાંત તોફાન કરનારા તોફાની તત્વોની અટકાયત પણ કરી હતી.

You might also like