અેરપોર્ટ પરથી રૂપિયા એક કરોડના ચરસ સાથે કાશ્મીરી યુવક ઝડપાયો

અમદાવાદ: યુવાનોને બરબાદ કરતાં ડ્રગ્સ શિયાળાની શરૂઆત થતાંની સાથે જ શહેરમાં લાવવામાં આવે છે. જેના પગલે ગુજરાત નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પાંચ દિવસ પહેલાં એનસીબીએ સાડા પાંચ કિલો ચરસ સાથે અમદાવાદના બે શખસોને ઝડપી લીધા હતા. ત્યારે આજે વહેલી સવારે એનસીબીએ અમદાવાદ એરપોર્ટ પરથી એક કરોડની કિંમતના ચરસ સાથે બે યુવકોને ઝડપી પાડ્યા છે.

ફલાઇટમાં સફરજનની આડમાં કાશ્મીરી યુવક આ ચરસ લઇને આવ્યો હતો. મુંબઇનો એક શખસ આ ચરસની ડિલિવરી લેવા આવ્યો હતો. એનસીબીએ બંનેની ધરપકડ કરી કીમતી ચરસ જપ્ત કર્યું છે.

એનસીબી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિયાળાની શરૂઆત થતાં યુવાનોમાં ડ્રગ્સની ડિમાન્ડ વધી જાય છે. જેથી શહેરના ડ્રગ ડીલરો બહારથી કીમતી ડ્રગ્સ અને ચરસ મગાવતા હોય છે. ગુજરાત નાર્કોટિકસ કંટ્રોલ બ્યૂરો દ્વારા આવી ડીલ પર નજર રાખવામાં આવી રહી હતી. દરમ્યાનમાં એનસીબીની ટીમને બાતમી મળી હતી કે કાશ્મીરી યુવક ફલાઇટમાં કરોડોનું ચરસ લઇને અમદાવાદ એરપોર્ટ પર ઊતરવાનો છે. જેના આધારે આજે વહેલી સવારે આવેલી ઇન્ડિગોની ફલાઇટમાંથી ઊતરેલા કાશ્મીરી યુવકની અટકાયત કરી પૂછપરછ કરાતાં તેની પાસેથી સફરજનના થેલા મળી આવ્યા હતા. જેની અંદર તપાસ કરતાં શુદ્ધ ક્વોલિટીનું આશરે દસ કિલો કીમતી ચરસ મળી આવ્યું હતું.

ફારુક નામનો કાશ્મીરી યુવક શ્રીનગરથી આ ચરસ લઇને આવ્યો હતો. મુંબઇનો શકીલ નામનો યુવક આ ચરસની ડિલિવરી લેવા આવ્યો હતો. જેની પણ એનસીબીએ ધરપકડ કરી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં એક કરોડની કિંમત ધરાવતું આ ચરસ મુંબઇ ખાતે લઇ જવાનું હોવાનું એનસીબીનાં સૂત્રોએ જણાવ્યું હતું.

પાંચ દિવસ પહેલાં એનસીબીએ જમ્મુ-કાશ્મીરથી લવાયેલા પાંચ કિલો ચરસના જથ્થા સાથે જુહાપુરાના રહેવાસી અાબિદમિયા અને ખાનપુરના ઇન્તેખાબ અાલમ નામના શખસને ઝડપી પાડ્યા હતા. અા બંને યુવકો પાસેથી લાડવારૂપે પાંચ કિલો જેટલું ચરસ મળી અાવ્યું હતું. આબિદમિયાં નામનો યુવક ડ્રગ્સની મોટા પાયે ગુજરાતમાં હેરાફેરી કરતો હોવાનું પૂછપરછમાં બહાર આવ્યું હતું.

શિયાળો શરૂ થતાંની સાથે જ ગુજરાતમાં ચરસની ડિમાન્ડ વધી જાય છે. નવા વર્ષમાં પાર્ટીઓ થતી હોય છે. રંગીન પાર્ટીઓમાં મોટા ઘરના નબીરાઓ, યુવાનો કીમતી ડ્રગ્સ મગાવતા હોય છે. જેને લઇને એનસીબી દ્વારા ખાસ નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં અમદાવાદ અને ગુજરાતમાં ઘુસાડવામાં આવતા ડ્રગ્સ પર ખાસ નજર રાખવામાં આવતી હોય છે.

ઠંડીની સિઝનમાં ડ્રગ્સની ડિમાન્ડ વધતાં એનસીબી અાવી પાર્ટીઅો ઉપર પણ હવે નજર રાખશે. મોટા ભાગે અમદાવાદ અને ગુજરાતમાં ચરસનો જથ્થો કાશ્મીરથી અાવતો હોય છે. અા અગાઉ પણ ગુજરાત નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો દ્વારા ડ્રગ્સના જથ્થાને ઝડપવામાં અાવ્યો છે. ચારેક મહિના અગાઉ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો મૂળ નાઈજિરિયાના યુવકને મોટા પ્રમાણમાં કીમતી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો હતો.

You might also like