‘એકમાત્ર’ કાશ્મીરી પંડિતના મુસલમાનોએ કર્યા અંતિમ સંસ્કાર

જમ્મુ: ભારત પ્રશાસિત કાશ્મીરના કુલગામ જિલ્લામાં માલવન ગામમાં જાનકીનાથ એકમાત્ર પંડિત હતા જેઓ કાશ્મીર છોડીને નહોતા ગયા. થોડાક દિવસો પહેલાં જ 84 વર્ષના જાનકીનાથનું નિધન થઇ ગયું. ગામના મુસલમાનોએ ભીની આંખે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. તેમને વિદાય આપવા માટે માત્ર પુરુષો જ નહીં પરતુ મહિલાઓ પણ પહોંચી હતી.

સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયેલા જાનકીનાથ છેલ્લા કેટલાક દિવસોથી ખુબ બિમાર હતા. તેમના ઘરમાં તેમની દેખરેખ માટે માત્ર તેમની પત્ની જ હતી. પુત્રીનાં લગ્ન થઇ ગયા હોવાથી તે તેમની પાસે નહોતી રહેતી. એટલી માટે તેમના અંતિમ સંસ્કાર સ્થાનિક મુસલમાનોએ કરાવ્યા.

ગામના સરપંચ બશીર અહમદ અલાઇએ જણાવ્યું કે, જાનકીનાથનું મૃત્યુ થતાં સમગ્ર ગામમાં શોક જેવો માહોલ છે કારણ કે આ ગામમાં તેઓ એક માત્ર પંડિત પરિવાર હતા. અમે અહીંયા તેમના સાથે ભાઇચારાની ભાવના સાથે રહેતાં હતા. પાછલા બે મહિનાથી તેઓ ખુબ જ બિમાર હતા તો અમે રોજ રાત્રે તેમની પાસે જઇને મોડે સુધી બેસતાં હતા.

બશીર અહમદ અલાઇએ જણાવ્યું કે, જ્યારે તેમનું નિધન થયું ત્યારે અમે તેમના ઘરે જ હતા. અમે આજે પણ તે તમામ પંડિતો સાથે સંપર્કમાં છીએ જેઓ 1990માં ગામ છોડીને ચાલ્યા હતા.

નોંધનીય છે કે વર્ષ 1990માં સશસ્ત્ર આંદોલન શરૂ થતાં ભારત પ્રશાસિત કાશ્મીરમાંથી લાખો પંડિતો પોતાનું ઘર છોડીને ચાલ્યા ગયા હતા. જેમણે ભારતના વિવિધ રાજ્યોમાં શરણ લીધી હતી.

You might also like