હરિયાણામાં બે કાશ્મીરી વિદ્યાર્થી પર હુમલોઃ મહેબૂબા મુફતીની પોલીસ તપાસની માગણી

પાણીપત, શનિવાર
હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લામાં બે કાશ્મીરી વિદ્યાર્થીને ૧૫થી ૨૦ લોકોએ માર મારીને ઈજા પહોંચાડયાની ઘટનાને જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ વખોડી કાઢી છે. જોકે આ ઘટના અંગે હરિયાણા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

આ ઘટનામાં ટોળાની મારપીટનો ભોગ બનેલા વિદ્યાર્થી જાવેદે જણાવ્યું કે હું અને રેહાન ગઈ કાલે બપોરે નમાજ પઢી બહાર નીકળતા હતા ત્યારે ૧૫થી ૨૦ લોકોએ અમારો પીછો કરી અમે બાઈક પર બેસીએ તે પહેલાં જ એકાએક અમારા પર હુમલો કરી મારપીટ શરૂ કરી દીધી હતી. ટોળાએ લગભગ ૧૦ મિ‌િનટ સુધી અમને માર માર્યો હતો. આ દરમિયાન લોકોને કારણ પૂછતાં કોઈએ તેમને જવાબ આપ્યો ન હતો.

ત્યારબાદ જાવેદે આ અંગે ટિવટ કરી જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફતી અને હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર તથા પોલીસને ફરિયાદ કરી હતી. જે અંગે ડીજીપી શેષ પોલ વેદે જણાવ્યું કે તેઓ હરિયાણાના ડીજીપીના સંપર્કમાં છે અને સ્થાનિક પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે. દરમિયાન આ ઘટનાની આકરી ટીકા કરતાં મુખ્યપ્રધાન મુફતીએ જણાવ્યું હતું કે આ ઘટનાની જાણ થતાં તેમને ખૂબ જ આઘાત લાગ્યો છે.

તેથી આ ઘટનામાં જે આરોપીઓ સંડોવાયેલા છે તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી તંત્રને અપીલ કરી હતી.જ્યારે પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ ઘટનાની આકરી ટીકા કરી છે.

અફસ્પા નહિ હટવાયઃ મુફતી
દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યપ્રધાન મહેબૂબા મુફતીએ રાજ્યની વર્તમાન સ્થિતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાંથી અફસ્પા કોઈ પણ સંજોગોમાં નહિ હટાવાય. ભારતીય સેના સૌથી શિસ્તબદ્ધ છે અને સેના સુરક્ષા વ્યવસ્થાને વધુ સારી બનાવવામાં વ્યસ્ત છે. સેનાના કારણે જ આપણે સુરક્ષિત છીએ. સેનાના જવાનોએ ઘણા બલિદાન પણ આપ્યાં છે.

You might also like