કાશ્મીરમાં મંદિરોની કફોડી હાલતઃ પૂજા કરાવવા પૂજારીને ફોન કરી બોલાવવા પડે છે

ધરતી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં મંદિરોની હાલત અત્યંત કફોડી અને દયાજનક બની ગઈ છે. અેક અંગ્રેજી ન્યૂઝ વેબસાઈટ દ્વારા હાથ ધરવામાં અાવેલા અભ્યાસ અનુસાર કાશ્મીરમાં જે તે સમયે જે મંદિરોનો નાશ કરાયો અથવા નુકસાન કરાયું તેની સ્થિતિ અાજે પણ સુધરી નથી. શ્રીનગરમાં અાવેલા કેટલાક મંદિરોની હાલત પણ અાવી જ કંઈ છે. મોગલ બાદશાહ જહાંગીરે જે જમીન પર નિશાત બાગ બનાવ્યો હતો તેની નજીક અાજે ફક્ત મંદિરોના અવશેષો જોવા મળે છે.

વાત કરીઅે ગોપીતીર્થ મંદિરની તો ત્યાંના સેવક મહારાજ કૃષ્ણપંડિત કહે છે કે ભૂતકાળમાં અા અેક ગુપ્ત જગ્યા હતી જ્યાં સાધુ સંતો અને મહાત્માઅો રોકાતા હતા.૫,૦૦૦ વર્ષ પહેલા અહીં અેક ધ્યાન કેન્દ્ર પણ સ્થાપિત કરવામાં અાવ્યું હતું. એક મોટા પથ્થર પર લખેલી શારદાલિપી અા વાતનો પુરાવો અાપે છે. કહેવાય છે કે સાડા પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન શ્રીકૃષ્ણ અા સ્થળે ધ્યાન માટે અાવ્યા હતા. અાજે અા ધાર્મિક સ્થળોની હાલત એવી થઈ ગઈ છે કે જો કોઈ વ્યક્તિ અહીં પૂજા કરાવવા ઇચ્છે તો તેને પૂજારીને શોધવા જવું પડે છે. અહીંના મોટાભાગના મંદિરોમાં પૂજારીના નામ અને ફોન નંબરની તકતી લગાવી દેવામાં અાવી છે. મંદિરમાં અાખો દિવસ પૂજારી કે સેવક કોઈ હાજર રહેતું નથી.

You might also like