૭૦ વર્ષમાં કાશ્મીરમાં જે થયું નથી તે હવે થઈને રહેશેઃ મક્કી

નવી દિલ્હી: જમાત-ઉદ-દાવાના વડા અબ્દુલ રહેમાન મક્કીએ ફરી એક વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. મક્કીએ ફરી એક વાર કાશ્મીરને લઈ ખતરનાક નિવેદન કર્યું છે. તેણે ધમકી આપી છે કે ૭૦ વર્ષમાં કાશ્મીરમાં જે થયું નથી તે હવે થશે. મક્કીએ જણાવ્યું હતું કે આજે મુજાહિદ્દો પોતાનું લોહી આપવા તૈયાર છે. આઝાદ-એ-કાશ્મીરની તારીખને અંજામ સુધી પહોંચાડવા મુજાહિદ્દો સંપૂર્ણપણે તૈયાર છે. અત્યાર સુધી જે કંઈ થયું નથી તે હવે થઈને રહેશે.

મક્કીએ જણાવ્યું છે કે અમે સત્તાવાળાઓને જેહાદ્દીઓ સામે નહીં પડવા જણાવ્યું છે. જેહાદને અલ્લા ચલાવે છે અને જે શખસ જેહાદને રોકવા ઈચ્છે છે. તેમને અલ્લા ફટકો આપે છે. મક્કીએ સાથે-સાથે પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ સામે પણ નિશાન તાક્યું છે. મક્કીએ આ રીતે ધમકી આપીને કાશ્મીરમાં વધુ આતંકવાદ ભડકાવવાનો સંકેત આપ્યો છે. જેહાદ રોકવાની વાત કરીને મક્કીએ નવાઝ શરીફ સામે નિશાન તાક્યું છે કે જેઓ ભારત સાથે વાટાઘાટ દ્વારા કાશ્મીર સમસ્યાનો ઉકેલ લાવવાની તરફેણમાં છે.

જેના માથા માટે ૨૦ લાખ ડોલરનું ઈનામ છે એવા હાફિઝ સઈદના સંબંધી મક્કીને આ વર્ષે જમાત-ઉદ-દાવાનો પ્રમુખ બનાવવામાં આવ્યાે છે. આ અગાઉ આતંકી અબુ વલીદ મોહમ્મદની શહાદતમાં આયોજિત કાર્યક્રમમાં મક્કીએ કાશ્મીરમાં સીમા પારની આતંકી પ્રવૃત્તિઓ વધારવા પ્રતિજ્ઞા લીધી હતી. મક્કીએ જણાવ્યું છે કે તેમના સંગઠનનો મૂળ હેતુ પાકિસ્તાનને સંગઠિત કરીને કાશ્મીરી લોકોને હિંદુ તાકાતમાંથી મુક્ત કરાવવાનો છે.

You might also like