કાશ્મીરમાં કરફ્યુ યથાવત્ઃ કુલગામમાં ગ્રેનેડના હુમલાથી પાંચ પોલીસને ઈજા

શ્રીનગર: કાશ્મીર ઘાટીમાં હિઝબુલ મુજાહિદીનના કમાન્ડર બુરહાનને ઠાર મરાયા બાદ હજુ પણ કાશ્મીરમાં ઠેરઠેર હિંસક દેખાવો થઈ રહ્યા હોવાથી કાશ્મીરમાં કરફયુ ચાલુ રાખવામાં આવ્યો છે. બીજી તરફ કુલગામના યારીપુરા પોલીસ મથકમાં દેખાવકારોએ ગ્રેનેડથી હુમલો કરતાં પાંચ પોલીસ કર્મચારીને ઈજા થઈ છે.

આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યુ કે નમાજ વખતે કેટલાંક તોફાની તત્વો હિંસા ભડકાવી શકે તેમ હોવાથી તેમજ વિવિધ અફવાઓ વહેતી થતા તંત્રએ મોબાઈલ ટેલિફોન સેવા બંધ કરી દીધી છે.માત્ર બીએસએનએલના પોસ્ટપેડની સેવા જ ચાલુ છે. જોકે ઘાટીમાં મોબાઈલ અને ઈન્ટરનેટ સેવા સતત સાતમા દિવસે બંધ રહી હતી.જ્યારે કેટલીક ટ્રેનને પણ રદ કરી દેવામાં આવી છે. કાશ્મીરમાં છેલ્લા એક સપ્તાહથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હિંસક ઘટનાથી 36થી વધુ લોકોનાં મોત થયાં છે.

તેમજ 1500 જેટલા સુરક્ષા કર્મચારી સહિત 3140 લોકો ઘવાયા છે. કાશ્મીર ઘાટીમાં ભડકેલી હિંસાને કારણે રેલવે સહિત લગભગ 125 ઈમારત,પોલીસ મથક અને પોસ્ટ ઓફિસને ભારે નુકસાન થયું છે.
કાશ્મીર ઘાટીમાં લોકોને જીવન જરૂરી ચીજ પૂરી પાડવા ખાદ્ય ચીજો સહિત અન્ય કેટલીક આવશ્યક ચીજો લઈને જતી 500થી વધુ ટ્રક ફસાઈ ગઈ છે.

You might also like