કાશ્મીર ખીણમાં શાંતિ-અેકતાનું વાતાવરણ ક્યારે સ્થપાશે?

કાશ્મીર ખીણમાં છેલ્લા કેટલાક સમયથી અશાંત પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને લગભગ અેક માસથી આ વિસ્તારમાં લગાવવામાં આવેલા કફર્યુમાંથી લોકોને સંપૂર્ણ મુકિત કયારે મળશે? અને આ વિસ્તારમાં શાંતિ અને એકતાનું વાતાવરણ ક્યારે પુનઃ સ્થપાશે તેવા સવાલો થઈ રહ્યા છે. કાશ્મીર ખીણમાં ચાલુ રહેલી અશાંતિના કારણે તાજેતરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષા દળના ત્રણ જવાન શહીદ થઈ ગયા હતા જ્યારે કૂપવાડા જિલ્લાના માછીલ વિસ્તારમાં બનેલી ઘટનાથી ખીણમાં સુરક્ષા દળના જવાનો માટે નવો પડકાર ઊભો થઈ રહ્યો છે.

અગાઉ થોડા સમય પહેલાં જેને માથે દસ લાખનું ઇનામ હતું તેવા મોસ્ટ વોન્ટેડ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર અને ત્રાસવાદી ‌બુરહાન મુઝફ્ફર વાનીને ઠાર મરાતાં જમ્મુ-કાશ્મીરમાં સ્ફોટક સ્થિતિ સર્જાઇ હતી તે આજે પણ ચાલુ રહી છે. હજુ આ વિસ્તારમાં સંપૂર્ણ શાંતિ સ્થપાઈ નથી જોકે બુરહાનનાં મોત બાદ કાશ્મીરના અનેક વિસ્તારોમાં તંગદિલી ભડકી ઊઠી હતી અને બુરહાનના સમર્થકોએ જમ્મુ-શ્રીનગર હાઇવે બંધ કરી દીધો હતો. બુરહાનનાં મોતનાં સમાચારથી શ્રીનગરમાં પાકિસ્તાન તરફી નારા સંભળાવા લાગ્યા હતા. લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને ટાયર સળગાવ્યાં હતાં. શ્રીનગરના મુખ્ય વિસ્તારોમાં સત્તાવાળાઓએ અઘોષિત કફર્યુ લાદી દીધો હતો. જે આજેપણ કેટલાક વિસ્તારોમાં ચાલુ છે.

બુરહાનના મોતના મામલે ખાસ કરીને અનંતનાગ, ત્રાલ અને પુલવામામાં સ્ફોટક સ્થિતિ ઊભી થતાં સત્તાવાળાઓએ કડક સુરક્ષા જાપતો ગોઠવી દીધો હતો. બુરહાન અને સુરક્ષાદળ વચ્ચે અઢી ત્રણ કલાક ચાલેલી અથડામણમાં આખરે બુરહાન માર્યો ગયો હતો. તેની સાથે અન્ય બે આતંકીઓ પણ ઠાર મરાયા હતા, જેમાં એકની ઓળખ સરતાજ અહેમદ શેખ તરીકે થઇ હતી.

અગાઉ જ્યારે બુરહાન વાની સાથે સુરક્ષા દળના જવાનોની અથડામણ થઈ હતી તે ઘટના બાદ સત્તાવાળાઓએ અનંતનાગ, સોફિયા અને પુલવામામાં કરફ્યુ લાદી દીધો હતો. જોકે તકેદારીનાં પગલાંરૂપે અમરનાથ યાત્રાને પણ રોકી દેવામાં આવી હતી. આ ઉપરાંત કાિઝગુંડ અનંતનાગ રેલવે સેવા પણ સ્થગિત કરવામાં આવી હતી. એટલું જ નહીં મોબાઇલ અને ઇન્ટરનેટ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

હવે સવાલ અે છે કે કાશ્મીર ખીણમાં છેલ્લાં એક માસથી જે અશાંત પરિસ્થિતિ ફેલાઈ છે તેને ક્યારે રોકી શકાશે? આ મામલે કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે તાજેતરમાં રાજ્યસભામાં આ પ્રશ્ન ઉઠાવી સરકારને તાત્કાલિક આ મામલે કડક પગલા લઈ પરિસ્થિતી થાળે પાડવા રજૂઆત કરી હતી. તો બીજી તરફ સીપીઅેમના નેતા સીતારામ યેચુરીઅે પણ આ વિસ્તારમાં છરાથી થતાં ફાયરિંગ પર પ્રતિબંધ લગાવવા રજૂઆત કરી હતી. જોકે આ મુદાનો ઉકેલ રાજકીય સંવાદ અને સહમતિથી જ થઈ શકે તેમ છે. પરંતુ આવી દિશામાં પહેલ કરતાં પહેલાં આ મામલે પાકિસ્તાનના વલણને પણ ધ્યાનમાં રાખવાની પણ તેટલી જ આવશ્યકતા છે. આ તમામ કવાયત વચ્ચે પાકિસ્તાન અવરોધક બની શકે છે. તે વાત સરકારે ભુલવી ન જોઈઅે.

દેશના જવાનો પર જે રીતે હુમલા થઈ રહ્યા છે તેને જોતાં સરકારે હવે ખરેખર સવેળાઅે જાગવાની જરૂર છે. અન્યથા પાકિસ્તાન તેની નાપાક હરકતો ચાલુ જ રાખશે. તે પણ અેક હકીકત છે. કાશ્મીર ખીણમાં પ્રવર્તતી અશાંત પરિસ્થિતિને પહોંચી વળવા સરકારે કોઈ ઠોસ પગલાં લેવાનો સમય હવે પાકી ગયો છે. દેશ અેક તરફ વિકાસની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ કાશ્મીર ખીણમાં પાક.પ્રેરિત આતંકવાદી ગમે ત્યારે હુમલા કરી દેશની શાંત સ્થિતિને ડહોળવા પ્રયાસ કરી રહ્યુ છે. તેથી તેને પદાર્થપાઠ ભણાવવાની પહેલ કરવાની જરૂર છે. આતંકવાદીઓ દ્વારા જે રીતે હુમલા થઈ રહ્યા છે તેનાં પરથી લાગી રહ્યું છે કે પાક.પડદા પાછળ રહી ભારતની શાંત સ્થિતિ સામે જોખમરૂપ બનવાના પ્રયાસ કરી રહ્યુ છે.

ભારતે હવે ખરેખર આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે નકકર પગલાં ભરવાની પહેલ કરવી જ પડશે, અન્યથા ભારતના કબજા હેઠળના કાશ્મીરમાં રહેતા પંડિતોને શાંત પરિસ્થિતી માટે હજુ થોડો સમય રાહ જોવી પડશે તે પણ અેક વાસ્તવિકતા છે. આ માટે રાષ્ટ્રીય આમ સહમતિ સ્થપાવી અતિ આવશ્યક છે. આ મુદે તમામ રાજકીય પક્ષોએે અેક બની આતંકવાદ સામે લડવાની પહેલ દાખવવી પડશે. બાકી હાલ તો આ ખીણ વિસ્તારમાં અશાંત સ્થિતિ ક્યારે કાબૂમાં આવશે? તે અેક સવાલ છે.

You might also like