પ્રાચીન મહાતીર્થ કાશી

વારાણસી, બનારસ એ બંને કાશીનાં જ નામ છે. કાશીનું અસ્તિત્વ ક્યારથી ભારતમાં આવ્યું તે વિવાદોની વાત છે, પણ એટલું તો ચોક્કસ કે કાશીનગરીને ભગવાન શંકરે વસાવી છે. આ એટલી પવિત્ર નગરી છે કે હિંદુ ધર્મના બધાં જ દેવી દેવતા સૂક્ષ્મ શરીરે આજે પણ અહીં વસે છે. પહેલાના વખતમાં એક કહેવત ખૂબ જોરશોરથી પ્રવર્તતી હતી કે કાશીનું મરણ અને સુરતનું જમણ.

કાશીમાં એક કરવત હતી, જ્યાં તમે જીવતેજીવ કરવત મુકાવો અને તે વખતે મનમાં જે સંકલ્પ કરો તે સંકલ્પ ફળતો. આવી એક પ્રથા હતી. આવું કહેવાતું હતું. કોઇ મનુષ્ય દુઃખી હોય અથવા પોતાના જન્મથી સંતુષ્ટ ન હોય તે મનુષ્ય કાશી જઇ જીવતો વહેરાતો અને પોતાની મુરાદ માગતો. આજે આ કરવત છે, પણ તે પ્રથા બંધ છે. જ્યારે સુરતનું જમણ તો જગ વિખ્યાત છે.

પ્રત્યેક હિંદુને બે ઓરતા હોય છે. એક કાશીમાં દર્શન કરવાની તથા બીજી હિમાલય પર્વતનાં દર્શન કરવાની. કાશી તો મહાતીર્થ છે. કાશી તો તીર્થોત્તમ છે. કાશી સર્વ તીર્થમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ તીર્થ મનાયું છે. આજે પણ સર્વોત્તમ તીર્થ તરીકે કાશીની જ ગણના છે. કાશીની સ્મૃતિ જ્યારે મનમાં ઝબકે છે ત્યારે ભગવાન કાશી વિશ્વનાથ પણ મનની આંખ સમક્ષ આવી જ જાય. સાથેસાથે કાશીનાં ગંગામૈયા પણ મનને પવિત્ર કરતાં જાય.

ઘણા લોકો કાશીને ગંગા મૈયા તો ઘણા લોકો ભગવાન વિશ્વનાથ તરીકે ઓળખે છે. કાશીમાં અનેક વિખ્યાત મંદિર છે. અનેક વિખ્યાત ઘાટ છે. મા અન્નપૂર્ણાનું ભવ્ય મંદિર, મા વિશાલાક્ષીની હમણાં તમારી સાથે વાત કરશે તેવી અદ્ભુત મૂર્તિ કે સંકટમોચન હનુમાનજી મહારાજ. અહીં કાશીના ગંગા સ્નાનનું મહત્ત્વ ખૂબ છે. હજારો વર્ષથી આજે પણ એટલી જ શ્રદ્ધા અને ભક્તિથી શ્રદ્ધાળુઓ સ્નાન કરવા ભક્તિથી ગંગામૈયામાં ડૂબકી લગાવી અંતરતમથી પ્રકાશના પૂંજ બની પવિત્ર બની બહાર નીકળે છે.

ભગવાન કાશી વિશ્વનાથનું મંદિર બનારસ કે કાશીની સાંકડી ગલીઓમાં આવેલું છે. વચ્ચે ઊભા રહી બંને હાથ પહોળા કરીએ એટલે ગલીની બંને બાજુનાં મકાનો આપણા હાથને અડકે. વિશ્વનાથ ભગવાનનાં મંદિરના સોનાના કળશને આપણે જોઇએ તો બસ જોતાં જ રહીએ એટલો પ્રકાશ વેરે છે આ સોનાનો કળશ. માત્ર કળશનાં દર્શન થતાં જ આપણાં અનેક જન્મનાં પાપ બળી જાય છે. તેમાંય કાશી વિશ્વનાથનાં દર્શન કરતાં જ મનુષ્ય સાવ નિષ્પાપ બની જાય છે. કાશીમાં તમે નગર ભ્રમણ કરો તો સવાર સાંજ તમને વેદગાનના મંત્રો સંભળાય. નગરમાં પ્રવેશતાં જ તમે દિવ્યતાનો અનુભવ કરો. તમે એકદમ પવિત્રતાના ચાહક બની જાવ.

કાશીમાં જોવા જેવું, જાણવા જેવું, માણવા જેવું ઘણું બધું છે. કહેવાય છે કે ભગવાન કાશી વિશ્વનાથ અને શક્તિપીઠમાં બિરાજતાં મા વિશાલાક્ષી અન્નપૂર્ણાની બ્રહ્માજીએ બીજા કૈલાસ જેવી નિર્મેલી અને પાર્વતીજીને ખૂબ જ ગમી ગયેલી આ દિવ્ય તથા પવિત્ર નગરીમાં ભગવાન શિવે મા પાર્વતીને વચન આપી જણાવ્યું કે અનેક પ્રલય થશે તો પણ હું હરહંમેશ કાશીમાં જ બિરાજીશ.

વહેલી પરોઢે નાવમાં બેસી ગંગા મૈયાનો પવિત્ર પ્રવાહ તમને કાશીના પ્રત્યેક ઘાટનાં દર્શન કરાવે છે. સવાર સાંજ આ ઘાટ ઉપર ગંગા મૈયાની આરતી થતી હોય તે જોવાનો લહાવો લેવા અનેક શ્રદ્ધાળુ અહીંના પ્રત્યેક ઘાટ ઉપર ઊભરાય છે. સૂર્યોદય થાય તે પહેલાં જ લગભગ બધા જ ઘાટ ઉપર સ્નાન કરવા શ્રદ્ધાળુ ઊમટે છે. છત્રી, બેઠક, પાથરણાં સાધુ સંતોથી શોભવા લાગે છે. “જય ગંગા મૈયા કી”નો જયઘોષ અહીં વારંવાર થાય છે. આ જયઘોષ તમારા કાનને પવિત્ર બનાવે છે.

ભગવાન શિવને ભસ્મ પૂરી પાડે છે. અહીંનો વિખ્યાત સ્મશાન ઘાટ, અહીંનો દશાશ્વમેઘ ઘાટ ખૂબ પ્રખ્યાત છે. જે ઘાટ ઉપર રાજા હરિશ્ચંદ્ર સમક્ષ રોહિતની લાશ લઇ તારામતી આવ્યાં હતાં. અહીં હરિશ્ચંદ્ર ઘાટ તથા અગ્નિદાહના સ્થાન તરીકે વિખ્યાત ઘાટ મણિકર્ણિકેશ્વર ઘાટ પણ ખૂબ પ્રખ્યાત છે. શીતલાઘાટ પણ ખૂબ વિખ્યાત છે. તુલસીઘાટ ઉપર જતાં જ સંત તુલસીદાસ નજર સમક્ષ તાદૃશ્ય થાય છે. ખરેખર કાશી જેવું કોઇ તીર્થ સમગ્ર પૃથ્વી ઉપર નથી, નથી ને નથી જ.

You might also like