કાર્તિ ચિદંબરમે એક રાજકીય નેતાના ખાતામાં રૂ.૧.૮ કરોડ ટ્રાન્સફર કર્યા હતાઃ ઈડી

નવી દિલ્હી, સોમવાર
પૂર્વ કેન્દ્રીય ગૃહ અને નાણાપ્રધાન તેમજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલ એન્ફોર્સમેન્ટ ‌િડરેક્ટોરેટ (ઇડી)ના અધિકારીઓએ એવો દાવો કર્યો છે કે કાર્તિ ચિદમ્બરમ વિરુદ્ધ એક મોટો પુરાવો હાથ લાગ્યો છે. ઇડીએ એવો દાવો કર્યો છે કે કાર્તિ ચિદમ્બરમે એક મોટા વગદાર રાજકીય નેતાના બેન્ક ખાતામાં રૂ.૧.૮ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.

રાજકીય રીતે અત્યંત સંવેદનશીલ આ કેસની તપાસ સાથે સંકળાયેલા ઇડી અધિકારીઓએ એવો આરોપ મૂકયો છે કે કાર્તિ ચિદમ્બરમે રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડની ચેન્નઇ સ્થિત શાખામાં પોતાના ખાતા નં.૩૯૭૯૯૦માંથી એક કદાવર રાજકીય નેતાના બેન્ક ખાતામાં રૂ.૧.૮ કરોડ ટ્રાન્સફર કર્યા હતા.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જે રાજકીય નેતાના ખાતામાં આટલી જંગી રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે તે એક મોટા રાજકીય નેતા છે અને તેમણે દાયકાઓથી રાજકીય કરિયર દ‌રમિયાન કેન્દ્ર સરકારમાં મહત્ત્વની જવાબદારીઓ સંભાળી છે, જોકે અધિકારીઓએ આ નેતાની ઓળખ જાહેર કરવાનો ઇનકાર કર્યો છે, કારણ કે તેનાથી તપાસ પ્રભાવિત થઇ શકે છેે.

સીબીઆઇએ કાર્તિ ચિદમ્બરમની ર૮ ફેબ્રુઆરીના રોજ ચેન્નઇથી ધરપકડ કરી હતી. ત્યાર બાદ પીટર અને ઇન્દ્રાણી મુખરજીને સામે રાખીને કાર્તિની પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ઇન્દ્રાણી મુખરજીએ સીબીઆઇના અધિકારીની હાજરીમાં એવો આક્ષેપ કર્યો હતો કે કાર્તિએ આઇએનએક્સ મીડિયા પાસેથી લાંચ લીધી હતી.

આઇએનએક્સ મીડિયાના પ્રમોટર પીટર અને ઇન્દ્રાણી મુખરજીએ ઇડી સમક્ષ આપેલા પોતાના નિવેદનમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે કે તેમણે કાર્તિને અંદાજે સાત લાખ ડોલર (૩.૧ કરોડ)ની લાંચ આપી હતી.

ઇડીના અધિકારીઓએ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડમાંથી થયેલી લેવડદેવડના ખુુલાસાને આ મામલાની તપાસમાં એક મોટો ટર્નિંગ પોઇન્ટ હોવાનું જણાવ્યું છે. હવે ઇડી જે રાજકીય નેતાના ખાતામાં કાર્તિએ જંગી રકમ ટ્રાન્સફર કરી છે તે નેતાને સમન્સ બજાવવાની વિચારણા શરૂ કરી છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સપ્ટેમ્બર-ર૦૦૯થી ૧૬ જાન્યુઆરી, ર૦૧૬ દરમિયાન પાંચ હપ્તામાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ વ્યવહાર પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે કાર્તિ ચિદમ્બરમ અને આ કદાવર રાજનીય નેતા વચ્ચે ચોક્કસપણે કોઇ પ્રકારની સાઠગાંઠ હોવી જોઇએ.

You might also like