‘પદ્માવત’ રોકવા કરણીસેના કટીબદ્ધ, આજે કરશે પ્રેસ કોન્ફરન્સ, થિએટરોને આપી ખુલ્લી ધમકી

પદ્માવત ફિલ્મને સુપ્રિમ કોર્ટે લીલી ઝંડી આપી દીધી છે, તેમ છતાં કરણી સેના દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં કરણીસેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં કરણીસેનાના કાર્યકરો અને રાજપૂતો હાજર રહેશે.

કરણીસેના આજની પ્રેસ કોન્ફરન્સમાં પોતાની આગળની રણનીતિ અંગે જણાવશે. જો કે સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ જ કરણીસેનાએ જાહેર તો કરી દીધું છે કે, સુપ્રિમે ભલે લીલી ઝંડી આપી, પરંતુ થિએટરના માલિકો તો અમને પૂછીને જ ફિલ્મ બતાવશે. જો કોઈ થિએટરોમાં ફિલ્મ રિલીઝ થશે તો તેનો વિરોધ કરણીસેના કરશે, તેવી ધમકી પણ આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે સંજય લીલા ભણસાળીની ફિલ્મ પદ્માવતને રાષ્ટ્રીય સ્તરે રિલીઝ કરવાનો રસ્તો સાફ કરી આપ્યો છે. જે ચાર રાજ્યોમાં ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તેને કોર્ટે અયોગ્ય ગણાવ્યો છે.

સુપ્રિમ કોર્ટના આ આદેશ બાદ પણ કરણીસેના સુપ્રીમ કોર્ટની ડબલ બેંચમાં અપીલ કરવાની છે. ઉપરાંત કરણીસેના ફિલ્મના વિરોધમાં આજે થાણેમાં માર્ચ કાઢશે. માર્ચ સવારે 10 કલાકે કોરમ મૉલથી શરૂ થઇને વિવિયાના મૉલ સુધી થશે. ફિલ્મ પર પ્રતિબંધ લગાવવા માટે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવાનો પણ પ્રયાસ કરશે. કરણી સેના ફિલ્મને કોઇપણ પ્રકારે રિલીઝ થવા દેવા માંગતુ નથી, તેથી રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ લોકેન્દ્ર કાલવી આજે પ્રેસ કોન્ફરન્સ કરશે.

You might also like