‘પદ્માવત’: રાજ્યમાં ઠેરઠેર વિરોધ, નિકોલમાં થિએટરમાં તોડફોડ, સાણંદમાં બસ સળગાવાઈ

સુપ્રિમ કોર્ટે ફિલ્મ પદ્માવતને રિલીઝ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે અને ગુજરાત મલ્ટિપ્લેક્સ એસોસિએશને પણ ફિલ્મને થિએટરોમાં રિલીઝ કરવાની ના પાડી દીધી છે, તેમ છતાં રાજ્યમાં આ ફિલ્મનો સતત વિરોધ થઈ રહ્યો છે.

અમદાવાદમાં પણ રાજપૂત સેના દ્વારા ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નિકોલ ખાતે આવેલા રાજહંસ સિનેમામાં કરણીસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. જો કે આ થિએટરમાં કોઈ ફિલ્મ રિલીઝ કરવામાં આવી નથી, તેમ છતાં કરણીસેના દ્વારા આ થિએટરમાં તોડફોડ કરાઈ હતી.

કરણીસેનાના 50થી વધુ કાર્યકરો રાજહંસ સિનેમા આગળ પહોંચી ગયા હતા અને તોડફોડ કરવા લાગ્યા હતા. જો કે આ મામલે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

સાણંદમાં AMTS સળગાવાઈ
પદ્માવત ફિલ્મના વિરોધના પગલે સાણંદમાં પણ રાજપૂત સંગઠન દ્વારા શનિવારે મોડી રાત્રે બસને આગ ચાંપી દેવામા આવી હતી. સંગઠનના વિરોધકર્તાઓએ માધવનગર ખાતે બે AMTS બસને આગચાંપી દીધી હતી. આગમાં બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે. બસમાં આગને પગલે ફાયરવિભાગની ટીમ ઘટનાસ્થળે ધસી આવી હતી. મોડી રાત્રે ભારે જહેમત બાદ ફાયર ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. સ્થાનિક પોલીસે ઘટના સંદર્ભે કાર્યવાહી આરંભી છે.

ધાનેરામાં બસ સળગાવવાનો પ્રયત્ન
શનિવારે સાંજે રાજપુર ગામ પાસે અમદાવાદથી ધાનેરા જતી બસ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બસના ડ્રાઈવર પર 200થી વધુ લોકોએ પથ્થરમારો કરીને બસ ચાલકને માર માર્યો હતો અને બાદમાં બસ સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે નંદાસણ પોલીસ સ્ટેશનમાં 200થી વધુ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

You might also like