કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં રાજપથનું રાજકારણ ભળ્યું

અમદાવાદ: એસ.જી. હાઈવે પર અાવેલી કર્ણાવતી ક્લબની 31 માર્ચે યોજાનારી ચૂંટણીને લઈને વાતાવરણમાં ગરમાવો અાવી રહ્યો છે. અા ચૂંટણી લડતી સત્તાધારી મેમ્બર્સ પાવર પેનલ રાજપથ ક્લબમાં પણ સત્તા ઉપર છે તેનો લાભ લઈને રાજપથ ક્લબના પ્રમુખે ભૂતકાળના કૌભાંડોમાં નિવૃત્ત જસ્ટિસની તપાસ બાદ પરેશ દાણી સહિત પાંચ સભ્યને રાજપથમાંથી સસ્પેન્ડ કર્યા છે. જે અંગે મેમ્બર ફ્રીડમ પેનલે પણ વળતો જવાબ અાપીને જણાવ્યું છે કે રાજપથના પ્રમુખ પારદર્શકતાની વાત કરે છે તો એન.જી. પટેલ પ્રમુખ હતા ત્યારે તેમણે કરેલા સ્માર્ટકાર્ડ કૌભાંડની તપાસ કરવી જોઈએ.
રાજપથ ક્લબના પ્રમુખ અને મેમ્બર્સ પાવર્સ પેનલના સભ્ય એવા જગદીશ પટેલે કર્ણાવતી ક્લબની ચૂંટણીમાં હaરીફ પેનલ મેમ્બર્સ ફ્રીડમ પેનલને પછડાટ અાપવા શનિવારે ક્લબનાં વિવિધ કૌભાંડોની તપાસ માટે નિયુક્ત કરાયેલા નિવૃત્ત જસ્ટિસ એસ. એમ. સોનીનો તપાસ અહેવાલ જાહેર કર્યો હતો, જેના અંતર્ગત રાજપથ ક્લબના તત્કાલીન પ્રમુખ પરેશ દાણી અને સેક્રેટરી જે.બી. પટેલ સહિત પાંચ સભ્યને રૂ. 5.5 કરોડના વિવિધ કૌભાંડમાં ગેરરીતિ કરવાના મામલે સસ્પેન્ડ કરી દીધા દેવાયા હતા. અા પાંચેય સભ્યોને નિવૃત્ત જસ્ટિસ એસ. એમ. સોનીની તપાસ બાદ સસ્પેન્ડ કરાયા છે. જોકે જગદીશ પટેલે છ મહિના પહેલાં પણ સાત સભ્યોની ચૂંટણી સમયે નિવૃત્ત જસ્ટિસ એસ. એમ. સોનીને તપાસ સોંપી હતી.
અા મામલે કર્ણાવતી ક્લબમાં ચૂંટણી લડી રહેલા મેમ્બર્સ ફ્રીડમ પેનલના ઉમેદવાર શૈશવ શાહે રાજપથ ક્લબના પ્રમુખ જગદીશ પટેલ ઉપર વળતો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે જગદીશ પટેલ પારદર્શકતાની વાત કરે છે તો કર્ણાવતી ક્લબના વર્તમાન પ્રમુખ એન.જી. પટેલ જ્યારે વર્ષ 2007-10 સુધીમાં પ્રમુખ હતા તે સમયે તેમણે સ્માર્ટકાર્ડ બનાવવાના મામલે પોતાની જ ઘરની કંપની ઊભી કરીને રૂપિયા 50 લાખનું કૌભાંડ કર્યું હતું, જેની જાણ થતાં તેમણે ઊભી કરેલી કંપનીને બંધ કરી દીધી હતી તો અા એન.જી. પટેલના સ્માર્ટકાર્ડ કૌભાંડ અંગે પણ જગદીશ પટેલે તપાસ કરવી જોઈએ. તેમણે પરેશ દાણી સહિતના સભ્યોને સસ્પેન્ડ કરાયા છે તે બાબત માત્ર સભ્યોને ગેરમાર્ગે દોરવા છે, જોકે તેમનું અા પગલું બૂમરેંગ સાબિત થશે.
કર્ણાવતી ક્લબના પ્રમુખ એન.જી. પટેલે જણાવ્યું હતું કે હું વર્ષ 2001થી 2007 સુધી રાજપથ ક્લબના પ્રમુખ તરીકે કાર્યરત હતો. જ્યારે સ્માર્ટકાર્ડની કામગીરીનો અોર્ડર તત્કાલીન પ્રમુખ ગિરીશ દાણીના સમયમાં અપાયો હતો. અા સ્માર્ટકાર્ડનો બજાર ભાવ કરતાં ઘણી અોછી કિંમતે અોર્ડર અપાયો હતો. અા સ્માર્ટકાર્ડની કામગીરી હજુ પણ ચાલુ છે. અાથી અામાં કોઈ કૌભાંડ નથી.

You might also like