કર્ણાવતી ક્લબનો ચૂંટણી જંગ સોશિયલ મીડિયામાં છવાયો

અમદાવાદ: શહેરની પ્રતિષ્ઠિત એવી કર્ણાવતી ક્લબની 31 માર્ચે ચૂંટણી યોજાનાર છે. અા ચૂંટણીમાં મેમ્બર્સ ફ્રીડમ પેનલ દ્વારા મેમ્બર્સ પાવર્સ પેનલની ચર્ચાના જવાબો સોશિયલ મીડિયા મારફત અાપવાનું શરૂ કર્યું છે. જેના કારણે મેમ્બર્સ પાવર્સ પેનલના સભ્યો હચમચી ગયા છે. સોશિયલ મીડિયા દ્વારા કરાતા પ્રચારને મેમ્બર્સ પાવર્સ પેનલે અયોગ્ય ગણાવ્યો છે.

કર્ણાવતી ક્લબના બોર્ડ અૉફ ડિરેક્ટરના 23 સભ્યની ચૂંટણીને અનુલક્ષીને સત્તાધારી મેમ્બર્સ પાવર્સ પેનલ અને હરીફ મેમ્બર્સ ફ્રીડમ પેનલના 23-23 સભ્ય મેદાનમાં રહ્યા છે. બીજી તરફ ચૂંટણીને અાડે ગણતરીના કલાકો હવે બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી અને હરીફ પેનલ દ્વારા પોતાની પ્રચાર ઝુંબેશને વેગ અાપવામાં અાવી રહ્યો છે. બંને પેનલના સભ્ય દ્વારા એક બીજાને પછાડવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જેમાં એક ડિબેટમાં સત્તાધારી પક્ષ દ્વારા હરીફ પેનલને દાણીની પેનલ ગણાવવામાં અાવી હતી. જેના કારણે હરીફ પેનલ દ્વારા તેનો જવાબ સોશિયલ મીડિયા દ્વારા અાપવામાં અાવી રહ્યો છે. જેમાં અજય પટેલ અને ગિરીશ દાણીને મિત્રો ગણાવવામાં અાવ્યા છે. જ્યારે બીજામાં મેસેજમાં દાણીની પેનલમાં 15 વર્ષ સાથે રહેલા ચાર સભ્ય નગીન પટેલ (એન.જી.પટેલ), નરસિંહ પટેલ, અજય ઠક્કર અને પરેશ પટેલને દાણીના સાથીદાર તરીકે દર્શાવવામાં અાવ્યા છે. તેમજ અજય પટેલને લીધે પાવર્સ પેનલ દ્વારા ગિરીશ દાણીને પાછલે બારણે અાવકાર હોવાનું જણાવાયું છે.

અા અંગે મેમ્બર્સ ફ્રીડમ પેનલના સભ્ય અને ઉમેદવાર શૈશવ શાહે જણાવ્યું હતું કે એક ડિબેટમાં સત્તાધારી પેનલના સભ્ય દ્વારા ફ્રીડમ પેનલને ગિરીશ દાણીની પેનલ ગણાવવામાં અાવી રહી છે, જે બાબત હકીકતમાં સત્યથી વેગળી છે. તે સાબિત કરવા માટે અમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો છે. જ્યારે મેમ્બર્સ પાવર્સ પેનલના સભ્ય અને કર્ણાવતી ક્લબના પ્રમુખ એન.જી. પટેલે મેમ્બર્સ ફ્રીડમ પેનલના સોશિયલ મીડિયા પરના પ્રચારને અયોગ્ય ગણાવીને જણાવ્યું હતું કે વર્ષ 2010 અને 2015માં રાજપથ ક્લબની ચૂંટણીમાં તેની સામે લડ્યા હતા. જ્યારે અમારા ચાર સભ્યને દાણીની સાથે જોડવામાં અાવી રહ્યા છે. પરંતુ તે સમયે અાઠ સભ્યની ચૂંટણીમાં ભારે ક્શ્મકશ થઇ હતી. જેના કારણ સમાધાનના ભાગરૂપે બંને પેનલમાંથી ચાર ચાર સભ્યને લેવાનું નક્કી થયું હતું. જેના ભાગરૂપે હું (એન.જી. પટેલ) અજય ઠક્કર, પ્રવીણ પટેલ (પાર્ક મસાલા) અને હસમુખ પટેલ તેમજ દાણી પેનલના ચાર સભ્યનું નોમિનેશન કરવામાં અાવ્યું હતું.

કર્ણાવતી ક્લબના પ્રમુખ અને મેમ્બર્સ પાવર પેનલના સભ્ય એન. જી પટેલે જણાવ્યું હતું કે મારે ગિરીશ દાણી સાથે કોઈ વ્યક્તિગત વિરોધ નથી પરંતુ તેમની સાથે વૈચારિક વિરોધ છે.

You might also like