કર્ણાટકઃ રિસોર્ટમાંથી કોંગ્રેસના બે ધારાસભ્ય એકાએક ગાયબ

બેંગલુરુ: કર્ણાટકમાં સરકાર રચવા માટે ધારાસભ્યો હાઈડિમાન્ડમાં છે. દરમિયાન એવા અહેવાલો મળે છે કે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જે ફાઈવસ્ટાર વૈભવી રિસોર્ટમાં રાખ્યા છે ત્યાંથી બે ધારાસભ્ય ગુમ થઈ ગયા છે. બેલ્લારીથી કોંગ્રેસના ધારાસભ્ય આનંદસિંહ પણ ગઈ કાલે રાત્રે ઈગલટન રિસોર્ટમાં પહોંચ્યા નથી. એ જ રીતે કર્ણાટક હૈદરાબાદ વિસ્તારમાંથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપગૌડા પાટીલ પણ ગાયબ થયાના સમાચાર છે.

હૈદરાબાદ કર્ણાટક વિધાનસભા ક્ષેત્રમાં મસ્કી રાયચુરથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપગૌડા પાટીલ ઈગલટન રિસોર્ટમાંથી ગાયબ છે. સૂત્રોનું કહેવું છે કે પાટીલ ભાજપ સાથે ચાલ્યા ગયા છે. ગઈ કાલ રાત સુધી તેઓ કોંગ્રેસની સાથે હતા અને તેમણે સમર્થન પત્ર પર સહી પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ આજતક સાથેની વાતચીતમાં ધારાસભ્ય પ્રતાપગૌડા પાટીલને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે શું કોંગ્રેસના ધારાસભ્ય ભાજપની છાવણીમાં ચાલ્યા ગયા છે તો તેમણે જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતાઓએ પ્રજાનો ફેંસલો જોવો જોઈએ. આ અગાઉ પણ એવા અહેવાલો હતા કે કોંગ્રેસના બે ધારાસભ્યો રિસોર્ટમાંથી ગુમ થઈ ગયા છે અને સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ચારેય ધારાસભ્યો ભાજપની છાવણીમાં ચાલ્યા ગયા છે.

You might also like