કર્ણાટક ચૂંટણીનાં એક્ઝિટ પોલની અસર સોમવારે મળશે જોવા

શેરબજારમાં ગઇ કાલે છેલ્લે શાનદાર તેજી જોવા મળી હતી. આગામી સપ્તાહે મંગળવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પૂર્વે ગઇ કાલે છેલ્લે બીએસઇ સેન્સેક્સ ૨૮૯ પોઇન્ટને સુધારે ૩૫,૫૩૫, જ્યારે એનએસઇ નિફ્ટી ૯૦ પોઇન્ટને સુધારે ૧૦,૮૦૬ પોઇન્ટની સપાટીએ બંધ જોવા મળી હતી.

નિફ્ટી છેલ્લે ૧૦,૮૦૦ પોઇન્ટની ઉપર બંધ આવી છે તે એક પોઝિટિવ સંકેત ગણાવી શકાય. નોંધનીય છે કે સપ્તાહમાં નિફ્ટીમાં ૧.૭૭ ટકાનો સુધારો નોંધાતો જોવા મળ્યો હતો.

વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવ, ડોલર સામે રૂપિયાની નરમાઇ તથા વૈશ્વિક શેરબજારમાં નેગેટિવ સેન્ટિમેન્ટ છતાં પણ ભારતીય શેરબજારમાં આગેકૂચ જોવા મળી હતી તે એક પોઝિટિવ સંકેત ગણાવી શકાય. આજે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી છે, જ્યારે મંગળવારે પરિણામ જાહેર થવાનું છે. પરિણામ પહેલાં શેરબજારમાં સુધારો નોંધાયો છે.

ખાસ કરીને બેન્ક નિફ્ટીમાં સપ્તાહ દરમિયાન ૨.૯૯ ટકાનો સુધારો નોંધાયો છે. ગઇ કાલે છેલ્લે બેન્ક નિફ્ટી ૨૮૨ પોઇન્ટને સુધારે ૨૬,૪૦૦ની ઉપર ૨૬,૪૧૩ની સપાટીએ બંધ જોવાઇ છે. જે બજારને સપોર્ટ કરે છે.

આજે સાંજે કર્ણાટક ચૂંટણીનાં મતદાન બાદ એક્ઝિટ પોલ જાહેર થશે. તેની સીધી અસર સોમવારે જોવાશે. એટલું જ નહીં સોમવારે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા પણ આવશે, જ્યારે મંગળવારે કર્ણાટક વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આવશે. આ તમામ મહત્ત્વના ટ્રિગર પર શેરબજારની નજર રહેશે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે સેન્ટિમેન્ટ જોતાં શેરબજારમાં ઘટાડાની શક્યતા ખૂબ જ ઓછી છે. ચૂંટણીનાં પરિણામ શાસક પક્ષ બીજેપીની તરફેણમાં આવે તો બજારને સપોર્ટ મળશે અને આગેકૂચ જોવા મળશે. નિફ્ટી ૧૦,૯૩૦-૧૦,૯૫૦ અવરોધ
લેવલ છે, જ્યારે ૧૦,૭૦૦ મહત્ત્વનું સપોર્ટ લેવલ ગણાવી શકાય.

You might also like