ગઠબંધનમાં મડાગાંઠઃ કર્ણાટક સરકારનું ગમે તે ઘડીએ પતન?

કર્ણાટકમાં વિરોધ પક્ષોની એકતા અને કર્મઠતાના નામે ગઠિત જનતા દળ (એસ) અને કોંગ્રેસની ગઠબંધન સરકારમાં સારા સંકેતો દેખાતા નથી. ગઠબંધનમાં ઉકેલાય નહીં એવી ગાંઠ પડી છે. આમ પણ જ્યારથી ગઠબંધન સરકાર રચાઇ છે ત્યારથી સતત વિવાદોની હારમાળા જોવા મળી રહી છે.

ર૩ મેના રોજ એચ. ડી. કુમારસ્વામીએ શપથગ્રહણ કર્યા ત્યારથી બંને પક્ષમાં મંત્રાલયની વહેંચણી અને ફાળવણી અંગે લાંબી ખેંચતાણ ચાલી હતી. તેનો મહામુસીબતે ઉકેલ લાવ્યા બાદ હવે કોંગ્રેસ પક્ષને પોતાના નેતાઓની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જે કોંગ્રેસી નેતાઓને કુમારસ્વામી કેબિનેટમાં સ્થાન મળ્યું નથી તેમનો અસંતોષ અને આક્રોશ ભડકી ઊઠ્યો છે.

કોંગ્રેસે આ બાગી તેવર દેખાડતાં પોતાના નેતાઓને મનાવવાની લાખ કોશિશ કરવા છતાં હજુ આંતરકલહ અને વિખવાદ શાંત પડ્યો નથી. અહેવાલો અનુસાર મતભેદો એટલી હદે વણસી અને વકરી ચૂક્યા છે કે કોંગ્રેસનું આ બાગી જૂથ ભાજપ સાથે હાથ મિલાવીને કુમારસ્વામી સરકારનું પતન નોંતરવાના મૂડમાં છે.

અખબારી અહેવાલો અનુસાર બેંગલુરુની રાજકીય લોબીઓ અને વર્તુળોમાં એવા અહેવાલો અને તર્ક- વિતર્ક જોરદાર રીતે વહેતા થયા છે કે પ જુલાઇએ પોતાનું પ્રથમ બજેટ રજૂ કરવા જઇ રહેલ એચ. ડી. કુમારસ્વામી સરકારનું બજેટ પહેલાં જ પતન થઇ જશે. બાગી કોંગ્રેસીઓ બજેટ પહેલાં જ કુમારસ્વામી સરકારને ઊથલાવી દેશે.

આ સરકારમાં અગાઉ કેબિનેટમાં પ્રધાનોની સંખ્યાને લઇને, ત્યાર બાદ કેબિનેટનાં ખાતાંઓને લઇને અને હવે બજેટને લઇને વિવાદ છેડાયો છે. સ્થિતિ એ છે કે પ જુલાઇએ કુમારસ્વામી સરકારના બજેટની રજૂઆત પૂર્વે હજુ ચાર અઠવાડિયાં જૂની સરકારને લઇ તેના પતનની અટકળો શરૂ થવા લાગી છે.

અત્યારે જે માહોલ ઊભો થયો છે તેમાં ગઠબંધન સરકાર પોતાના જ પ્રધાનો અને ધારાસભ્યોની નારાજગીને લઇ રાજકીય સંકટના કળણમાં ફસાતી જાય છે. ચોંકાવનારા અહેવાલો અનુસાર કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ ભાજપના સંપર્કમાં છે. કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ દ્વારા વાતચીત માટેનો કોઇ પ્રયાસ કરવામાં આવી રહ્યો નથી. કર્ણાટક સરકાર માટે સૌથી વધુ જોખમ એ પણ છે કે કોંગ્રેસના મોટા ભાગના નારાજ નેતાઓ સરકારને ઊથલાવવા માટે ભાજપનો સંપર્ક કરી રહ્યા છે.

કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન અને જનતાદળ (એસ)-કોંગ્રેસ સમન્વય સમિતિના અધ્યક્ષ સિદ્ધારમૈયા હાલ હિમાચલની ધર્મશાળામાં નેચરોપથી લઇ રહ્યા છે. તેમનું કહેવું છે કે તેઓ રિટ્રિટ દરમિયાન ફોન કોલ્સ પણ સ્વીકારતા નથી, જોકે તેમના વિશ્વસનીય એસ. ટી. સોમશેખર,

બી. સુરેશ અને એન. મુનીરત્ન સાથે સતત વાતચીત ચાલુ છે. તાજેતરમાં સિદ્ધારમૈયાનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ નવા બજેટ અને સંપૂર્ણ કરજ માફીના ‌કુમારસ્વામીના નિર્ણયને સમર્થન આપી રહ્યા નથી. બીજી બાજુ ભાજપના નેતા યે‌િદયુરપ્પા પણ પક્ષના અધ્યક્ષ અમિત શાહને મળવા અમદાવાદ દોડી ગયા હતા, જે બતાવે છે કે જરૂર કંઇક રંધાઇ રહ્યું છે.

બીજેપી સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહે યેદિયુરપ્પાને ઉતાવળ ન કરવા સલાહ આપી છે. સત્તાવાર રીતે એવું જણાવાયું છે કે યેદિયુરપ્પા અને બોમ્મઇ ર૦૧૯ની લોકસભાની ચૂંટણી પર બેઠક માટે અમિત શાહને મળવા અમદાવાદ આવ્યા હતા, પરંતુ વાસ્તવમાં અંદરખાને બીજું જ કંઇક રંધાઇ રહ્યું છે.

બીજી બાજુ કુમારસ્વામીએ પણ તેવર બદલીને એવું જણાવ્યું છે કે હું કોઇના દયાદાન પર મુખ્યપ્રધાન બન્યો નથી. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે મને ખેરાતમાં મુખ્યપ્રધાનની ખુરશી આપી નથી એ વાત તમે ધ્યાનમાં રાખજો. મને એ વાતની દરકાર નથી કે હું કેટલો સમય મુખ્યપ્રધાન રહીશ. આમ બાગી કોંગ્રેસી નેતાઓની રાજકીય દાદાગીરીથી કંટાળી ગયેલા મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી પણ હવે છેલ્લા પાટલે બેસી ગયા છે.

કુમારસ્વામી પણ હવે તડ અને ફડ કરી નાખવાના મૂડમાં છે. બીજી બાજુ રાજકીય રીતે બાજ નજર રાખીને ટાંપીને બેઠેલા ભાજપના નેતા યેદિયુરપ્પા પણ હવે સક્રિય બની ગયા છે. યેદિયુરપ્પા એટલા માટે તો અમિત શાહને મળવા અમદાવાદ દોડી આવ્યા હતા.

આમ, કર્ણાટકમાં વિપક્ષોની શંભુમેળા સરકારનો સંઘ કાશીએ પહોંચશે કે કેમ? તે અંગે જે શંકાઓ પહેલાંથી જ સેવવામાં આવી હતી તે હવે સાચી પડી રહી હોય એમ લાગે છે અને કર્ણાટક સરકારનું ગમે તે ઘડીએ પતન થઇ શકે છે.

You might also like