Karnataka Exit Poll: રાજ્યમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહૂમતિ નહીં મળે

કર્ણાટક વિધાનસભાનો મહાજંગ પૂર્ણ થયો છે, ઉમેદવારોના ભાવે EVMમાં સીલ થઈ ચુક્યા છે અને ફેંસલો 15 મેના આવશે.પરંતુ એક્ઝિટ પોલના પરિણામને જોઈને લાગી રહ્યું છે કે કોઈ પણ પાર્ટીને રાજ્યમાં સ્પષ્ટ બહૂમતિ નહીં મળે. કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા રચાવાના એંધાણ છે. અલગ અલગ એક્ઝિટ પૉલમાં અલગ અલગ આંકડા સામે આવી રહ્યા છે. શું કહે છે વિવિધ એક્ઝિટપોલ?

TIMES NOW-VMR 
ટાઈમ્સ નાઉ-વી.એમ.આરએ કરેલીએક્ઝિટપોલમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. જો કે કોંગ્રેસને સ્પષ્ટ બહૂમતિ મળતી જોવા નથી મળતી. ટાઈમ્સ નાઉ-વી.એમ.આરના એક્ઝિટ પૉલમાં કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા બનતી જોવા મળી રહી છે. આ એક્ઝિટ પૉલમાં કોંગ્રેસને 97, ભાજપને 94, JD(S)ને 28 અને અન્યના ખાતામાં 3 બેઠક જતી હોવાનું અનુમાન છે. જો આવું જ પરિણામ રહે તો JD(S) કિંગમેકરની ભૂમિકામાં ઉભરશે અને કોઈ પણ પાર્ટીને સરકાર બનાવવા માટે JD(S) વગર નહીં ચાલે.

INDIA TODAY-AXIS MY INDIA  
તો ઈન્ડિયા ટુડે એક્સિસ બેંકના એક્ઝિટ પૉલમાં કોંગ્રેસ માટે સારા સમાચાર મળી રહ્યા છે. આ એક્ઝિટ પૉલ મુજબ કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારની ફરી વાપસી થઈ શકે છે. આ એક્ઝિટપૉલમાં કોંગ્રેસને 106થી 118, ભાજપને 79થી 82, JD(S)ને 22થી 30 અને અન્યને 01થી 4 બેઠક મળવાનું અનુમાન છે.

NEWS X-CNX 
ન્યૂઝ એક્સ-સી.એન.એક્સના એક્ઝિટ પૉલમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. જો કે ભાજપને બહુમતિ નહીં મળે તેવું સામે આવી રહ્યું છે. આ એક્ઝિટપૉલમાં કોંગ્રેસને 72થી 78, ભાજપને 102થી 110, JD(S)ને 35થી 39 અને અન્યને 3થી 5 બેઠક મળવાની શક્યતા છે. તેથી કર્ણાટકમાં JD(S) કિંગમેકરની ભૂમિકામાં હશે.

ABP-C VOTER 
ABP ન્યૂઝ અને સી-વોટરે સાથે મળીને એક્ઝિટ પૉલ કર્યો હતો.બપોરે 2 વાગ્યા સુધીના આંકડા પર કરવામાં આવેલા આ એક્ઝિટ પૉલમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનતી જોવા મળી રહી છે. જો કે સ્પષ્ટ બહુમતિ નથી મળી રહી. ABP ન્યૂઝ અને સી-વોટરના એક્ઝિટ પૉલમાં કોંગ્રેસને 89થી 99, ભાજપને 97થી 109, JD(S)ને 21થી 30 અને અન્યને 3થી 5 બેઠક મળવાનું અનુમાન છે.

INDIA TV-VMR 
INDIA TV-VMRના એક્ઝિટ પૉલમાં કર્ણાટક વિધાનસભામાં કોઈ પાર્ટીની બહૂમતિ મળતી જોવા નથી મળી રહી. ભાજપ અને કોંગ્રેસ બન્નેમાંથી કોઈ પણ પાર્ટીને જો સરકાર જો બનાવી હશે તો JD(S)ના પગ પકડયા સિવાય છૂટકો નહીં રહે. એટલે કે JD(S) અહીં કિંગમેકર બનશે. INDIA TV-VMRના એક્ઝિટ પૉલ મુજબ કોંગ્રેસને 97, ભાજપને 87, JD(S)ને 35 જ્યારે અન્યના ખાતામાં 3 બેઠક જવાનું અનુમાન છે.

TIMES NOW-CHANAKYA 
ટાઈમ્સ નાવ અને ચાણક્યએ કરેલા એક્ઝિટ પૉલમાં કર્ણાટકમાં ભાજપની બલ્લે બલ્લે જોવા મળી રહી છે. કર્ણાટકમાં આ એક્ઝિટ પૉલ મુજબ ભાજપ સ્પષ્ટ બહૂમતિ સાથે સરકારમાં આવી શકે છે. અને કોંગ્રેસના કિલ્લો ધ્વસ્ત થતો જોવા મળી રહ્યો છે. દેશમાં કોંગ્રેસ પાસે બચેલા 3 રાજ્યમાંથી કર્ણાટક જતું જોવા મળી રહ્યું છે. તેથી હવે પંજાબ અને પુડ્ડુચેરી કોંગ્રેસ પાસે રહેશે. ટાઈમ્સ નાવ અને ચાણક્યના એક્ઝિટ પોલમાં કોંગ્રસને 73, ભાજપને 120, JD(S)ને 26 અને અન્યને 3 બેઠક મળતી જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે,અહીં તમામ એક્ઝિટ પોલનું તારણ કાઢીએ તો એક વાત સ્પષ્ટ થાય છે કે કર્ણાટકમાં કોઈ પાર્ટી સ્પષ્ટ બહૂમતિ સાથે સરકારમાં નહીં આવે,અને જો બહૂમતિ મળશે તો તે સાવ પાતળી હશે. આ એક્ઝિટપોલમાં એક વસ્તુ ઉડીને આંખે વળગે તેવી છે તે છે JD(S). કર્ણાટકમાં JD(S) કિંગમેકર બનશે અને કોઈ પાર્ટીને સરકાર બનાવવા માટે JD(S)નો સાથ લેવો જ રહ્યો,જો કે આ તમામ એક્ઝિટપોલ કેટલા સાચા છે કે ખોટા ?તે તમામ વસ્તુ 15એ સાબિત થઈ જશે.15મેના રોજ કર્ણાટકનું પરિણામ જાહેર થશે ત્યારે ખબર પડી જશે કે રાજ્યમાં કોણ સિંહાસન પર બિરાજમાન થાય છે.

You might also like