કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર પર સાંજે પડદોઃ અમિત શાહ-રાહુલ સહિત દિગ્ગજ નેતાઓની રેલીઓ

બેંગલુરુ: ૧ર મેના રોજ યોજાનારી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજે શાંત થઇ જશે. પ્રચારના આજે આખરી દિવસે તમામ પક્ષોના દિગ્ગજ નેતાઓ વીજ‌િળક વેગે રેલીઓ યોજીને મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે. આજે છેલ્લા દિવસે અમિત શાહ-રાહુલ ગાંધી અને યોગી આદિત્યનાથ સહિત અનેક દિગ્ગજ નેતાઓની જુદાં જુદાં સ્થળોએ રેલીઓ યોજાનાર છે.

આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ નમો એપ દ્વારા પક્ષના એસસી/એસટી/ઓબીસી અને સ્લમ મોરચાના કાર્યકરો સાથે સંવાદ કરશે. આજે છેલ્લા દિવસે માત્ર પક્ષના અધ્યક્ષ જ નહીં, પરંતુ કેટલાય કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યના મુખ્યપ્રધાનો પ્રચાર કરશે. આજે ૩૮ કેન્દ્રીય પ્રધાનો રેલી અને રોડ શો કરશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર છે. રાજ્યની રર૪ વિધાનસભા બેઠક માટે રર૩ બેઠક પર ૧ર મેના રોજ મતદાન યોજાશે અને ૧પ મેના રોજ ચૂંટણીનાં પરિણામ આવશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી ર૦૧૯ની લોકસભાની ચૂંટણી માટેની સેમિફાઇનલ માનવામાં આવી રહી છે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ આજે મુખ્યપ્રધાનપદના ઉમેદવાર યેદીયુરપ્પા સાથે બદામીમાં પ્રચાર કરશે. કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા બદામીથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં આજે ૧૧-પ૦ કલાકે અમિત શાહનો રોડ શો યોજવામાં આવ્યો છે.

સાંજે ૪-૦૦ કલાકે અમિત શાહ બેંગલુરુમાં મીડિયા સાથે વાતચીત કરશે. એ જ રીતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે બેંગલુરુમાં મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા સાથે પ્રેસ કોન્ફરન્સ કરશે.

તાજેતરમાં જાહેર થયેલ ઓપિનિયન પોલનાં તારણો અનુસાર કર્ણાટકમાં ત્રિશંકુ વિધાનસભા થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ઓપિનિયન પોલમાં દેવેગૌડાની પાર્ટી (જનતાદળ-એસ) કિંગ મેકરની ભૂમિકામાં નજરે પડી રહી છે.

You might also like