બદલાઈ ગઈ કર્ણાટક CM એચડી કુમારસ્વામીની શપથ ગ્રહણની તારીખ

બેંગાલુરૂઃ કર્ણાટકમાં બી.એસ યેદિયુરપ્પાના રાજીનામા બાદ હવે JDS અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા જઈ રહ્યા છે. હવે બુધવારે JDSના કુમારસ્વામી રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લેશે. પહેલા સોમવારના શપથની વાત કરવામાં આવી રહી હતી. પરંતુ તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે બીએસ યુદિયુરપ્પાના રાજીનામા અને કુમારસ્વામીના શપથ અંગે વિવિધ રાજકીય નિવેદનો સામે આવ્યા છે.

પહેલા સોમવારે શપથ લેવાની વાત ચાલી રહી હતી, પરંતુ બાદમાં તેમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે. જો કે, હવે શપથ ગ્રહણ સમારોહ સોમવારની જગ્યાએ બુધવારે રાખવામાં આવ્યો છે.

કુમારસ્વામીએ કહ્યું કે, જેડીએસ ગઠબંધન સરકારના શપથ ગ્રહણ હવે 21 મેની જગ્યાએ 23 મેના રોજ કરશે. તેમણે કહ્યું કે, 21 મેના રોજ રાજીવ ગાંધીની પુણ્યતિથિ છે અને તેવામાં આ દિવસે શપથ લેવા યોગ્ય નથી.

જેડીએસના નેશનલ સેક્રેટરી જનરલ દાનિશ અલીએ જણાવ્યું કે, રાજ્યપાલ વજુભાઇ વાળાએ એચડી કુમાર સ્વામીને 23 મેના રોજ બપોરે 12.30 કલાકે મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે આમંત્રણ આપ્યું છે.

આ શપથ સમારોહમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ કે. ચંદ્રશેખર રાવ, તૃણમૂલ કોંગ્રેસ નેતા મમતા  બેનર્જી, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અન્ય દિગ્ગજ નેતાઓ સામેલ થઇ શકે છે.

શનિવારે રાજ્યપાલ સાથેની મુલાકાત બાદ કુમારસ્વામીએ કહ્યું કે, તેઓ શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આજે રાત્રે અથવા રવિવારે સવારે જાતે આમંત્રિત કરશે. આ સિવાય તેઓ દરેક સ્થાનિક નેતાઓને વ્યક્તિગતરીતે સમારોહમાં સામેલ થવા માટે ફોન કરશે.

આ પહેલા 17 મેના રોજ બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. ત્યારબાદ રાજ્યપાલ વજુભાઇ વાળાએ તેમને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે તેમને 15 દિવસનો સમય આપ્યો હતો, જેના વિરૂદ્ધમાં કોંગ્રેસ અને જેડીએસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.

સુપ્રીમ કોર્ટે બીએસ યેદિયુરપ્પાને 28 કલાક એટલે કે શનિવાર સાંજે 4 વાગ્યા સુધીમાં વિધાનસભામાં બહુમત સાબિત કરવા કહ્યું, પરંતુ તેઓ બહુમત સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા અને શક્તિ પરીક્ષણ પહેલા જ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી હતી.

You might also like