કર્ણાટકમાં કોંગ્રેસના-જેડીએસના પ્રધાનોએ લીધા શપથ, BSPને મળ્યું સ્થાન

બેંગલુરુ: કર્ણાટકમાં આજે જેડીએસ-કોંગ્રેસ ગઠબંધન સરકારના મુખ્યપ્રધાન એચ.ડી. કુમારસ્વામીના કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે.  રાજ્યના રાજ્યપાલ વજુભાઈ વાળા રાજભવનમાં નવા પ્રધાનોને શપથ લેવડાવ્યાં છે. કોંગ્રેસના ૨૨ અને જેડીએસના ૧૨ પ્રધાન હોદ્દો અને ગુપ્તતાના શપથગ્રહણ કર્યાં. ઉલ્લેખનીય છે કે માયાવતીની પાર્ટીના ધારાસભ્યને પણ કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રથમ વખત બન્યું છે કે બીએસપીનો કોઇ ધારાસભ્યનો રાજ્યની બહાર મંત્રીમંડળમાં સમાવેશકરવામાં આવ્યો હોય.

અત્રે ઉલ્લેખનીય છે કે કુમારસ્વામીએ ૨૩મેના રોજ મુખ્યપ્રધાન પદના શપથ લીધા હતા. કર્ણાટકના જેડીએસ (૩૮) અને કોંગ્રેસ (૭૮) સાથે મળીને સરકાર બનાવી છે.

કર્ણાટકના નાયબ મુખ્યપ્રધાન જી. પરમેશ્વર ગઈ કાલે રાત્રે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે હવે દરેક બાબત લગભગ ફાઈનલ થઈ ગઈ છે. અમે અમારા પ્રધાનોના વિભાગોને લઈને પ્રસ્તાવ મોકલી દીધો છે. રાહુલ ગાંધી તેમના પર મંજૂરીની માહોર મારી દેશે.

અહેવાલો અનુસાર કોંગ્રેસ ગૃહ, સિંચાઈ, આરોગ્ય, કૃષિ અને મહિલા બાળ વિકાસ કલ્યાણ, બેંગલુરુ સિટી ડેવલપમેન્ટ, સુગર ઈન્ડસ્ટ્રી, મહેસૂલ, શહેરી અને ગ્રામીણ વિકાસ, હાઉસિંગ, મેડિકલ એજ્યુકેશન સહિત ૨૨ મંત્રાલય કોંગ્રેસના પ્રધાન સંભાળશે. જ્યારે જેડીએસના ૧૨ પ્રધાન નાણાં, પીડબલ્યુડી, શિક્ષણ, માહિતી, વિદ્યુત, સહકારિતા, પ્રવાસન, પરિવહન, લઘુ ઉદ્યોગ સહિત ૧૨ મંત્રાલય સંભાળશે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કર્ણાટકના નેતાઓ વચ્ચે દિલ્હીમાં યોજાયેલી બેઠક બાદ કોંગ્રેસ પક્ષે પ્રધાનની યાદીને આખરી ઓપ આપી દીધો છે. રાહુલ ગાંધીએ રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યપ્રધાન જી. પરમેશ્વર, પક્ષના વરિષ્ઠ નેતા ડી.કે. શિવકુમાર અને દિનેશ ગુંડુંરાવ અને કર્ણાટકના પ્રભારી મહામંત્રી કે. સી. વેણુગોપાલ સાથે લાંબી ચર્ચા કરી હતી.

You might also like