કર્ણાટકમાં ૯૦૦થી વધુ સિલિન્ડરમાં બ્લાસ્ટઃ બે ટ્રક આગમાં ખાક થઈ

બેંગલુરુ: કર્ણાટકના ચિક્કાબાલાપુરા જિલ્લામાં ચિંતામણિ નજીક રવિવારે રાત્રે બે ટ્રકમાં રાખવામાં આવેલાં ૯૦૦ કરતાં વધુ સિલિન્ડરમાં વિસ્ફોટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. એક સાથે ૯૦૦ સિલિન્ડર ફાટતાં જે બે ટ્રકમાં આ સિલિન્ડર રાખવામાં આવ્યાં હતાં. તે બંને ટ્રક આગમાં ખાખ થઈ ગઈ હતી. બાજુમાં ઊભેલી બોલેરો જીપ પણ સંપૂર્ણપણે સળગી ગઈ હતી.

એક સાથે ૯૦૦ સિલિન્ડર બ્લાસ્ટ થતાં સમગ્ર વિસ્તારમાં આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી અને દૂરથી જાણે આગના ગોળા દેખાતા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થયાના અહેવાલો હજુ સુધી મળ્યા નથી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને આસપાસના લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો.
ટ્રકની બેટરીમાં શોર્ટ સર્કિટ થતાં આ ઘટના ઘટી હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે. શોર્ટ સર્કિટને કારણે ટ્રકમાં આગ લાગતાં તેમાં રાખેલા તમામ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયરબ્રિગેડની ગાડી સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

home

You might also like