શું તમને ખબર છે કર્ણનો અંતિમસંસ્કાર આ પૃથ્વી પર ક્યાંય શક્ય નહોતો, ત્યારે…

મહાભારતમાં કેટલાય પાત્રો એવા છે જે સદીઓથી ચર્ચાનો વિષય રહ્યા છે. શ્રીકૃષ્ણ ઉપરાંત પાંડવ મહાભારતના મુખ્ય નાયક તરીકે ઓળખાય છે. પરંતુ કૌરવોનો સાથ આપવા છતાં દાનવીર કર્ણને આદરભાવ આપવામાં આવે છે. તેમની સાથે થયેલા અન્યાયને કારણે મોટાભાગના લોકો તેમના પ્રતિ સહાનુભૂતિનો ભાવ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણ પણ તેમના સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોને કારણે તેમને વીર યોદ્ધા માનતા હતા. ભગવાન શ્રીકૃષ્ણના મનમાં પણ કર્ણ પ્રતિ આદરભાવ હતો.

મહાભારત મહાકાવ્ય સાથે સંકળાયેલ કેટલીય વાર્તાઓ લોકો માટે હંમેશાંથી જિજ્ઞાસાનો વિષય રહ્યું છે. આવી જે એક રસપ્રદ કથા અનુસાર શ્રીકૃષ્ણે અર્જુનના પ્રાણ બચાવવા માટે ઇન્દ્ર સાથે મળીને છળ કરીને કર્ણ પાસેથી કવચ અને દિવ્ય કુંડલ લઇ લીધાં હતાં. પરંતુ ત્યારબાદ પણ શ્રીકૃષ્ણ કર્ણની પરીક્ષા લેવા માટે આવ્યા હતા અને પરીક્ષામાં કર્ણ સફળ પણ રહ્યા હતા.

ત્યારે શ્રીકૃષ્ણે કર્ણથી પ્રભાવિત થઇને વરદાન માંગવા માટે કહ્યું હતું. જ્યારે કર્ણ મૃત્યુશૈયા પર હતા ત્યારે કૃષ્ણ તેમની પાસે દાનવીર હોવાની પરીક્ષા લેવા માટે પહોંચ્યા. કર્ણે કૃષ્ણને કહ્યું કે તેમની પાસે આપવા માટે કંઇ જ નથી. ત્યારે કૃષ્ણે કર્ણ પાસે તેનો સોનાનો દાંત માંગી લીધો. કર્ણે પોતાની પાસે પડેલા એક પથ્થરને હાથમાં લીધો અને તેની મદદથી સોનાનો દાંત તોડીને કૃષ્ણને આપી દીધો. કર્ણે ફરી એકવાર પોતાના દાનવીર હોવાનું પ્રમાણિત કરી દીધું. જેનાથી શ્રીકૃષ્ણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. કૃષ્ણે કર્ણને કહ્યું કે તેઓ તેમની પાસે કોઇ પણ વરદાન માગી શકે છે.

કર્ણે કૃષ્ણને કહ્યું કે એક નિર્ધન સૂત પુત્ર હોવાને કારણે તેમની સાથે ખૂબ જ છળકપટ થયું છે. હવે જ્યારે કૃષ્ણ ધરતી પર આવે ત્યારે તેઓ આવા ગરીબ પછાત વર્ગના લોકોના જીવનને સુધારવા માટેનો પ્રયાસ કરે. આ સાથે જ કર્ણે બીજાં બે વરદાન પણ માગ્યાં હતાં.

બીજા વરદાનમાં કર્ણે કૃષ્ણને કહ્યું કે આવતા જન્મમાં કૃષ્ણ તેમના જ રાજ્યમાં જન્મ લે. અને ત્રીજા વરદાનમાં કર્ણે કૃષ્ણને કહ્યું કે તેનાં અંતિમ સંસ્કાર એવા સ્થળે કરવામાં આવે જ્યાં કોઇ પાપ ન થયું હોય. કર્ણની આ ઇચ્છાને સાંભળીને કૃષ્ણ દુવિધામાં મુકાઇ ગયા કારણ કે આખી પૃથ્વી પર એવું કોઇ સ્થળ જ નહતું જ્યાં એક પણ પાપ ન થયું હોય. આવી કોઇ જગ્યા ન હોવાને કારણે કૃષ્ણે કર્ણના અંતિમ સંસ્કાર પોતાના જ હાથમાં કરી દીધાં. આ પ્રકારે દાનવીર કર્ણ મૃત્યુ બાદ સાક્ષાત વૈકુંઠ ધામને પ્રાપ્ત થયા.•

You might also like