બોલિવુડમાં આગામી સમયમાં કરીના કપૂર કરશે ટ્રિપલ એટેક

કરીના કપૂર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઇક નવું કરવા તત્પર હોય છે. ૨૦૦૦ની સાલમાં એની પહેલી ફિલ્મ હતી-‘રેફ્યૂજી’. ૨૦૧૨માં સૈફ અલી ખાન સાથેનાં લગ્ન પછી પણ તેણે ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું હતું, જોકે ૨૦૧૬માં પુત્રનો જન્મ થયા પછી હવે એ ક્ષેત્ર સંન્યાસ લઇ લેશે અથવા નજીવું કામ કરશે એવી વાતો થતી હતી.

અલબત્ત, ૨૦૧૭ અને ૨૦૧૮ એ બે વર્ષ દરમિયાન માત્ર તેની એક જ ફિલ્મ આવી હતી-‘વીરે દી વેડિંગ’. મહિલા પાત્રને પ્રાધાન્ય આપતી આ ફિલ્મમાં તેની હાજરીની નોંધ લેવાઇ પણ કોઇ નવા પ્રોજેક્ટ સાથે તેનું નામ નહોતું જોવા મળતું એટલે એના વિશે વિવિધ અટકળો બંધાઇ રહી હતી કે હવે તે પુત્ર તૈમૂરના ઉછેર પર જ ધ્યાન આપવા માગે છે અથવા એ ફિલ્મ નિર્માણમાં પતિ સાથે સક્રિય થવા માગે છે, જોકે હવે આ બધી વાતો પર પરદો પડી ગયો છે. પ્રેગ્નન્સી પછી વજન વધી ગયેલી કાયાને ફરી સુડોળ અને કમનીય બનાવી દેવામાં સફળ રહેલી કરીનાએ એક નહીં પણ ત્રણ ફિલ્મ એકસાથે સાઇન કરી હોવાની જાહેરાત કરી છે.

કરીનાના આ ટ્રિપલ એટેકની પહેલી ફિલ્મ હશે-‘ગુડ ન્યૂઝ’. આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ તૈયાર થઇ રહી છે. ફિલ્મ કૉમેડી ડ્રામા હશે અને હીરો છે-અક્ષયકુમાર, જેની સાથે અગાઉ એ ‘ટશન’ અને ‘કમબખ્ત ઇશ્ક’માં કામ કરી ચૂકી છે. જાણકારી પ્રમાણે ફિલ્મમાં કરીના અને અક્ષય પતિ-પત્નીનો રોલ કરી રહ્યાં છે, જેઓ બાળકના જન્મ માટે ઉત્સુક હોય છે.

ત્યારબાદ તે અન્ય એક ફિલ્મ ‘તખ્ત’માં જોવા મળશે. ઐતિહાસિક પાર્શ્વભૂમિ ધરાવતી આ ફિલ્મની કથા મોગલ યુગની છે. રસપ્રદ વાત એ છે કે ફિલ્મનો મુખ્ય અભિનેતા રણવીરસિંહ છે. આ ઉપરાંત તે ‘લાઇફ ઇન અ મેટ્રો’ની સિક્વલમાં કામ કરી રહી છે. અનુરાગ બાસુ લિખિત અને દિગ્દર્શિત ૨૦૦૭ની હિટ ફિલ્મ ‘લાઇફ ઇન અ મેટ્રો’ની સિક્વલ બનવાની છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને અર્જુન કપૂર પણ હશે. •

You might also like