મોટી ઉંમરે બાયોપિક કરીશ, અત્યારે નહીંઃ કરીના કપૂર

બેબોના નામથી જાણીતી કરીના કપૂર ખાનની જિંદગીમાં ઘણા ચઢાવ-ઉતાર આવ્યા, પરંતુ આ બધાને પાર કરીને તેણે એક અલગ મુકામ બનાવ્યો. બોલિવૂડમાં સાઇઝ ઝીરોનો ટ્રેન્ડ લાવનાર કરીના કપૂર પોતાના લુક અને સ્ટાઇલને લઇને હંમેશાં સજાગ રહે છે. તેના માટે આવનારો સમય ખુશી અને સફળતા લાવનારો છે, કેમ કે તેના ખાતામાં સારી સારી મહિલાપ્રધાન ફિલ્મો આવી છે, તેમાં તેના રોલ પણ સશક્ત છે. આ જ કારણ છે કે આજકાલ તે ખૂબ ખુશ દેખાય છે.

ખાસ વાત તો એ છે કે તે બોલિવૂડની એ ગણતરીની અભિનેત્રીઓમાં સામેલ છે, જેની કરિયર લગ્ન કર્યા બાદ પણ ડગમગાઇ નથી. તે એ વાતનું ખાસ ધ્યાન રાખે છે કે ઉંમર વધવાની અસર તેના ફિગર પર ન પડે અને આ માટે તે ઘરનું બનાવેલું શુદ્ધ અને સાત્ત્વિક ખાવાનું પસંદ કરે છે. તે જિમ જઇને કસરત પણ કરે છે. તેનો આત્મવિશ્વાસ તેની ફિલ્મોની પસંદગી પર જોવા મળે છે.

તાજેતરમાં તેણે એક બાયોપિક ફિલ્મ સહિત અન્ય ફિલ્મોના પ્રસ્તાવ પણ ઠુકરાવી દીધા છે. તે કહે છે કે હું ખૂબ સમજી-વિચારીને ફિલ્મોની પસંદગી કરું છું. ઢગલાબંધ ફિલ્મો કરવાના બદલે મારે પસંદગીની ફિલ્મો કરવી છે. કરીનાને આઇપીએસ ઓફિસર કિરણ બેદીના જીવન પર રાજકુમાર ગુપ્તા દ્વારા બનાવાયેલી ફિલ્મ ‘સેક્શન-૮૪’માં કામ કરવાની ઓફર મળી હતી, પણ તેણે આ ફિલ્મમાં કામ કરવા ઇનકાર કરી દીધો. જ્યાં સુધી બાયોપિકની વાત છે તો આ ઉંમરમાં તે કોઇ બાયોપિક કરવા ઇચ્છતી નથી. તે કહે છે કે જ્યારે હું મોટી ઉંમરની થઇશ ત્યારે તેવી ફિલ્મો કરીશ.

You might also like