હોલિવૂડનું આકર્ષણ નથીઃ કરીના કપૂર

બોલિવૂડની ફિલ્મોમાં ઓળખ બનાવનારી સુંદર અભિનેત્રી કરીના કપૂરને હોલિવૂડમાં જઇને કામ કરવામાં કોઇ રસ નથી. તે કહે છે કે હું ટિપિકલ બોલિવૂડ અભિનેત્રી છું અને બોલિવૂડની ફિલ્મો આખી દુનિયા જુએ છે. હોલિવૂડની ફિલ્મ કરવા માટે ત્યાં જઇને ત્રણ મહિના સુધી રહેવું મારા માટે શક્ય નથી. ખાસ કરીને લગ્ન બાદ હું તેમ ન કરી શકું. મને હોલિવૂડનું ખાસ આકર્ષણ નથી. ઓછી ફિલ્મો કરનારી કરીના કપૂર આઇટમ સોંગ માટે સમય કાઢી લે છે. તે કહે છે કે હું સરળતાથી ડાન્સ શીખી જઉંં છું. મારા પરિવારે ૧૦૦ વર્ષ બોલિવૂડને આપ્યાં છે. હવે હું ખાન પરિવારની વહુ છું. સૈફ-શર્મિલાજી અને સોહાએ પણ પોતાની જિંદગીનો એક લાંબો સમય અહીં વીતાવ્યો છે. આવા સંજોગોમાં મને બોલિવૂડમાં અભિનય કે ડાન્સ કરવામાં કોઇ તકલીફ થતી નથી.

આજકાલ બાયોપિક ફિલ્મોનો ટ્રેન્ડ છે, પરંતુ કરીના તેવી કોઇ ફિલ્મમાં કામ કરવા ઇચ્છતી નથી. તે કહે છે કે હું ક્યારેય એ કામ કરતી નથી, જે બધા લોકો કરતા હોય. હું માત્ર કરવા ખાતર આવી ફિલ્મો નહીં કરું. મને આવી એક-બે ફિલ્મ ઓફર થઇ હતી, પરંતુ મને પસંદ ન પડી. હું ૧૬ વર્ષની ઉંમરથી ફિલ્મોમાં કામ કરું છું અને મારા કેટલાક મિત્રો મને તેમની ફિલ્મમાં  કોઇ સોંગ કરવાની પણ ઓફર કરે તો હું કરી લઉં છું. મિત્રો માટે હું ગેસ્ટ આર્ટિસ્ટ પણ બની શકું છું.•

You might also like