2016નું વર્ષ પણ ફળશે કરીનાને

કપૂર ફેમિલીની લાડલી અને શ્રેષ્ઠ અભિનય માટે છ વખત ફિલ્મફેર જીતી ચૂકેલી કરીના કપૂર ખાનના જીવનમાં ભલે અનેક ચઢાવ-ઉતાર આવ્યા હોય, પરંતુ તે બધાથી પર જઇને તેણે પોતાનો અલગ મુકામ બનાવ્યો છે. તેના ભાગમાં ઘણી હિટ ફિલ્મો છે અને ઘણી ફ્લોપ પણ. પોતાની છેલ્લી ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ની સુપરહિટ સફળતાને ઊજવી ચૂકેલી કરીના કપૂર ખાન માટે આ વર્ષ પણ ખુશી ભરેલું રહી શકે છે. ગયા વર્ષે તેની માત્ર એક ફિલ્મ ‘બજરંગી ભાઇજાન’ રિલીઝ થઇ, પરંતુ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી. આ વર્ષે તેની આર. બાલ્કીના ડિરેક્શનમાં બનનારી ફિલ્મ ‘કી એન્ડ કા’ રિલીઝ થશે. આ એક રોમેન્ટિક ફિલ્મ છે, જેમાં તે અર્જુન કપૂર સાથે જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુન એક મદદગાર પતિ અને કરીના એક મહત્વાકાંક્ષી પત્નીના રૂપમાં જોવા મળશે.

‘કી એન્ડ કા’ ફિલ્મ બે અલગ વિચારધારા ધરાવતા લોકોની કહાણી છે. ફિલ્મમાં જણાવાયું છે કે તમે સ્ત્રી હોય કે પુરુષ, કરિયરમાં એ વાત કોઇ મહત્વ ધરાવતી નથી, કેમ કે પ્રતિભા અને મહત્વાકાંક્ષા પર બધાંનો એકસરખો હક હોય છે. આ ઉપરાંત કરીનાની વધુ એક ફિલ્મ ‘ઊડતા પંજાબ’ પણ રિલીઝ થશે. તે કહે છે કે આ ફિલ્મ ડિરેક્ટર અભિષેક ચોબેની ખૂબ મહત્વાકાંક્ષી અને ચર્ચિત ફિલ્મ છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ અને શાહિદ કપૂર લીડ રોલમાં છે, તેમાં કરીના એક ડોક્ટરના રોલમાં છે. કરીના અજય દેવગણ સાથે પણ એક ફિલ્મ કરવા જઇ રહી છે. મિલન લુથરિયા નિર્મિત ‘બાદશાહો’ ફિલ્મમાં ફરી એક વાર તે પોતાના ફેવરિટ કોસ્ટાર સાથે કામ કરતી જોવા મળશે. •

You might also like