હું ઇચ્છતી હતી તેવાં પરિવર્તન આવ્યાંઃ કરીના કપૂર

કરીના કપૂર વર્ષ ર૦૦૦માં ‘રેફ્યૂજી’ ફિલ્મથી અભિનયની દુનિયામાં આવી. ત્યારબાદ તેણે ‘કભી ખુશી કભી ગમ’, ‘મૈં પ્રેમ કી દીવાની હૂૂં’, ‘એતરાઝ’, ‘ઓમકારા’, ‘જબ વી મેટ’, ‘કુરબાન’, ‘ગોલમાલ-૩’, ‘રા-વન’, ‘બજરંગી ભાઇજાન’, ‘તલાશ’, ‘સત્યાગ્રહ’, ‘કી એન્ડ કા’, ‘ઉડતા પંજાબ’ જેવી ચર્ચિત ફિલ્મો કરી. હાલમાં તે પુત્ર તૈમુરના ઉછેરમાં વ્યસ્ત હોવાની સાથે ‘વીરે દી વેડિંગ’ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. કરીના ફિલ્મોની પસંદગી કેવી રીતે કરે છે તે અંગે વાત કરતાં તે કહે છે કે હું ખૂબ જ સ્વાભાવિક અભિનેત્રી છું. હું મારા સ્વભાવમાં વધુ વિશ્વાસ કરું છું. જ્યારે મને ખ્યાલ આવે છે કે મારા માટે ફિલ્મમાં કંઇક ખાસ છે તો હું તે ફિલ્મ સ્વીકારી લઉં છું. ઇમાનદારીથી કહું તો ફિલ્મ નિર્દેશકનું વિઝન હોય છે અને તેનું જ વ્યક્તિત્વ સ્ક્રીન પર તમારી સામે આવે છે.

હું હંમેશાંથી ખુદને ડિરેક્ટરની અભિનેત્રી માનું છું.
એક માતા તરીકે વધારાની જવાબદારી કેવી રીતે સંભાળે છે તે અંગે વાત કરતાં કરીના કહે છે કે આ વ્યક્તિમાં આવેલું શાનદાર પરિવર્તન છે, કારણ કે જ્યારે તમે માતા બનો છો ત્યારે બધું જ પ્રાકૃતિક રીતે થતું હોય છે, બધું જૈવિક રીતે થાય છે. મારી સાથે પણ એવું જ થયું. આજે હું ખૂબ જ ખુશ છું. હું પહેલાંથી જ આ પ્રકારના સમયની ઇચ્છા રાખતી હતી. કરણ જોહરે એક શોમાં કહ્યું હતું કે કરીના પ્રેગ્નન્સી દરમિયાન ફેશનેબલ બની ગઇ છે. આ અંગે વાત કરતાં તે કહે છે કે લોકો સ્ટાર પર પ્રેશર નાખે છે કે જ્યારે તમે એરપોર્ટથી બહાર નીકળો ત્યારે ડિઝાઇનર વસ્ત્રો જ પહેરો. આ એકદમ અનનેચરલ છે. હું બહાર જતી વખતે ક્યારેય વિચારતી નથી કે મેં કેવા પ્રકારનાં કપડાં પહેર્યાં છે. હું એવી અભિનેત્રી નથી, જેની પાસે ૩૦ ડ્રેસ હોય અને તે રોજ એક નવો ડ્રેસ પહેરે. હુું એરપોર્ટ પરથી ટ્રેક પેન્ટ અને સ્વેટ શર્ટ પહેરીને નીકળી શકું છું. •

You might also like