કલાકારો અને મદારી એકસરખાઃ કરીના કપૂર

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર બોલિવૂડના કલાકારોને મદારી સમાન ગણાવે છે. તે કહે છે કે આજની તારીખમાં બોલિવૂડના કલાકારોની સ્થિતિ મદારી જેવી થઇ ગઇ છે. શૂટિંગ બાદ ફિલ્મના પ્રમોશન માટે તેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં ભટક્યા કરે છે તો ક્યારેક આ પ્રોગ્રામમાં નાચવાનું તો ક્યારેક ડાન્સ પ્રોગ્રામમાં હાજરી આપવાની. આ બધું કરીનાને અજીબ લાગે છે. તે કહે છે કે ફિલ્મો તો પહેલાં પણ બનતી હતી, પરંતુ તેનું પ્રમોશન થતું ન હતું. ફિલ્મો તો ત્યારે પણ ચાલતી હતી. આજે કલાકારોના પ્રમોશન છતાં ફિલ્મો ચાલતી નથી. આજે ફિલ્મને પ્રમોટ કરવાનાં ઘણાં બધાં માધ્યમ છે.

સોશિયલ મીડિયા, ચેનલ, ફેસબુક, ટ્વિટર તેમ છતાં પણ ફિલ્મો એટલી સફળ થઇ શકતી નથી. પહેલાં માત્ર ન્યૂઝપેપરમાં સમાચાર આવતા હતા, છતાં પણ વાચકોને ફિલ્મના મુહૂર્તથી રિલીઝ સુધી બધી વાતની ખબર રહેતી. આજે કઇ ફિલ્મ ક્યારે બનીને તૈયાર થઇ ગઇ તેની ક્યારેક ખબર પણ પડતી નથી. પહેલાં કલાકારોની એક ઝલક મેળવવા લોકો બેકરાર રહેતા. આજે કલાકારો દર્શકોની વચ્ચે જઇને પોતાની ફિલ્મ જોવાની અપીલ કરે છે. પહેલાં લોકોના દિલમાં કલાકારો માટે જે ઇજ્જત હતી તે આજે બચી નથી. આજે ફિલ્મોના શૂટિંગ કરતાં વધુ સમય ફિલ્મના પ્રમોશન માટે વેડફવો પડે છે. તાજેતરમાં ‘કી એન્ડ કા’ ફિલ્મમાં કરીનાનો અભિનય વખણાયો હતો. હવે તે ‘ઊડતા પંજાબ’ ફિલ્મમાં જોવા મળશે.•

You might also like