બાબરી કેસથી કપિલ સિબ્બલ દૂરઃ કોંગ્રેસે નિર્દેશ આપ્યાની અટકળો

નવી દિલ્હી, મંગળવાર
કોંગ્રેસ પક્ષે ગુજરાતની ચૂંટણી દરમિયાન થયેલા વિવાદને ધ્યાનમાં રાખીને હવે પોતાના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલને બાબરી મસ્જિદ કેસમાંથી હટી જવા નિર્દેશ આપ્યો છે. વાસ્તવમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એડ્વોકેટ કપિલ સિબ્બલ બાબરી મસ્જિદ કેસની ગત સુનાવણી દરમિયાન ઉપસ્થિત રહ્યા ન હતા.

હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી સુનાવણી પણ તેઓ હાજર રહેશે નહીં. સુનાવણી દરમિયાન તેમની ગેરહાજરી પરથી એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કદાચ કોંગ્રેસ પક્ષે કપિલ સિબ્બલને આ કેસમાંથી હટી જવા જણાવી દીધું છે.

જોકે મુસ્લિમ અરજદારોનો એવો દાવો છે કે તેમને જ્યાં સુધી જાણકારી છે તે મુજબ કપિલ સિબ્બલનો આ એક કામચલાઉ બ્રેક છે. અત્રે ઉલ્લેખનીય છે કે કપિલ સિબ્બલ આ કેસમાં સુન્ની વકફ બોર્ડ વતી કેસમાં રજુઆત કરી રહ્યા છે. અરજદારોનું કહેવું છે કે કોંગ્રેસ પક્ષ તરફથી કપિલ સિબ્બલને આવો કોઈ નિર્દેશ મળ્યાની તેમને જાણકારી નથી.

બીજી બાજુ કેસમાં એક મુખ્ય વકીલ અને ઓલ ઈન્ડિયા પર્સનલ લો બોર્ડના સભ્ય જફરયાબ જિલાનીએ જણાવ્યું હતું કે બંધારણીય મુદ્દે ચર્ચા કરવા માટે અમારે કપિલ સિબ્બલની જરૂર છે. આ સ્ટેજ છઠ્ઠી એપ્રિલની આગામી સુનાવણીમાં નહીં, પરંતુ ત્યાર બાદ આવશે.

આ દરમિયાન રાજીવ ધવન લીડ કરી રહ્યા છે. અટકળો વચ્ચે હવે તમામની નજર સુપ્રીમ કોર્ટમાં યોજાનારી ભવિષ્યની સુનાવણી પર છે. હવે જોવાનું એ છે કે આ કેસની લીગલ ટીમમાં સિબ્બલ દેખાય છે કે નહીં.

You might also like