હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાં જ કપિલ મિશ્રા CBIમાં પહોંચી જશે

નવી દિલ્હી: દિલ્હીના પૂર્વ જળ સંસાધન અને પ્રવાસન પ્રધાન કપિલ મિશ્રા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતાંની સાથે જ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પુરાવા રજૂ કરવા સીબીઆઈ પાસે પહોંચી જશે. કપિલ મિશ્રા આમ આદમી પાર્ટી વિરુદ્ધ જારી કરવામાં આવેલ તમામ દસ્તાવેજો સીબીઆઈને સોંપશે. કપિલ મિશ્રાએ ‘આપ’ પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે અને પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે ‘આપ’ છેલ્લા ત્રણ વર્ષથી કાળાં નાણાંને સફેદ કરી રહી છે.

કપિલ મિશ્રાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે કેજરીવાલે માત્ર કાગળ ઉપરની બનાવટી કંપનીઓ પાસેથી જંગી નાણાં ભંડોળ ઉઘરાવ્યું છે. ગઈ કાલે પત્રકાર પરિષદમાં કપિલ મિશ્રા બેભાન થઈ જતા તેમના રામમનોહર લોહિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કપિલ મિશ્રાએ જણાવ્યું હતું કે ચૂંટણી ભંડોળના નામે કેજરીવાલે દેશનું સૌથી મોટું કૌભાંડ કર્યું છે. ૨૦૧૪-૧૬માં ‘આપ’ના ખાતામાં રૂ. ૬૫.૫ કરોડ હતા, જ્યારે ચૂંટણીપંચને એવી જાણ કરવામાં આવી હતી કે ખાતામાં રૂ. ૩૨.૪ કરોડ છે અને આ રીતે રૂ. ૩૩ કરોડના ડોનેશનની વિગતો છુપાવી હતી.

‘આપે’ પોતાના ખાતાંમાં ૪૬૧ બોગસ એન્ટ્રીઓ કરી હતી. બનાવટી કંપનીઓએ રૂ. ૨ કરોડ ડોનેશન તરીકે આપ્યા હતા. દરમિયાન કપિલ મિશ્રાનાં પત્ની પ્રીતિએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર વિરુદ્ધ જંગ જારી રહેશે અને જરૂર પડશે તો તેઓ સ્વયં બધા પેપર લઈને સીબીઆઈ પાસે જશે.

કેજરીવાલનાં પત્ની સુનીતાએ મિશ્રાને વિશ્વાસઘાતી ગણાવ્યા
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના પૂર્વ સાથી કપિલ મિશ્રા વચ્ચે ચાલી રહેલ વિવાદ ચરમસીમાએ છે. બંને નેતાઓ વચ્ચેના ઝઘડામાં હવે બંનેના પરિવારજનોએ પણ ઝુકાવ્યું છે. અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે આજે સવારે ટ્વિટ કરીને પૂર્વ પ્રધાન કપિલ મિશ્રા સામે નિશાન તાક્યું હતું. સુનીતા કેજરીવાલે જણાવ્યું હતું કે કપિલ વિશ્વાસઘાતી છે. તેમણે કેજરીવાલ સામે કરવામાં આવેલ આક્ષેપોને પણ સત્યથી વેગળા હોવાનું જણાવ્યું હતું.

http://sambhaavnews.com/

You might also like