યુવરાજ ટીમ ઇન્ડિયાનો મેરાડોના છેઃ કપિલદેવ

નવી દિલ્હી: ૧૯૮૩ની વર્લ્ડકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન કપિલદેવે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટી-૨૦ સિરીઝ માટે પસંદગી પામેલ ટીમ ઇન્ડિયાના સિકસર કિંગના એવા વખાણ કર્યા છે કે તેનાથી યુવરાજ સહિતના કેટલાંક ફેન્સ ગદગદ થઇ જશે.

પૂર્વ કપ્તાન કપિલદેવે યુવરાજની સરખામણી ધ ગ્રેટ ફૂટબોલર મેરાડોના સાથે કરતાં કહ્યું કે યુવરાજસિંહ ટીમ ઇન્ડિયાની બેકબોન છે. કપિલદેવે કહ્યું જે રીતે લોકો સ્ટાર ફૂટબોલર મેરાડોના અને મૈકસેનરીને મેદાનમાં જોતા આવ્યા છે બરાબર તેવી રીતે યુવરાજ માટે પણ લોકો મેદાન પર આવે છે.

યુવરાજ ઉપરાંત કપિલદેવે પૂર્વ કપાતન સૌરવ ગાંગુલીના પણ વખાણ કર્યા હતા. સામાન્ય રીતે બંગાળીઓ તેમના સૌમ્ય વ્યવહાર માટે જાણીતા છે, પરંતુ સૌરવ ગાંગુલીએ તેનાથી જુદી માનસિકતાનો પરિચય આપતાં ભારતીય ટીમને આક્રમક બનાવી અને તેને ઓસ્ટ્રેલિયા જેવી મુશ્કેલ જગ્યા પર જીતતા શીખવ્યું.

ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર યોજાયેલા એક ચર્ચામાં કપિલે કહ્યું કે તેમના જમાનામાં જ્યારે ભારતની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જતી હતી ત્યારે ડરેલી રહેતી હતી, પરંતુ સૌરવની કપ્તાનીમાં રમ્યા પછી ટીમની અંદર આક્રમકતા અને આત્મવિશ્વાસ આવી ગયો છે.

સૌરવ ભારતીય ટીમમાં એટીટ્યૂટ લઇને આવ્યો અને આ માત્ર એટલે થઇ શક્યું કે તેની પાસે એક શાનદાર ટીમ હતી. શરૃઆતમાં તે ખૂબ શરમાળ હતો, પરંતુ સચિન, દ્રવિડ, લક્ષ્મણ, સેહવાગ, ઝહીર, હરભજન અને યુવરાજ જેવા સાથીઓએ ટીમમાં રહેતા તેના આત્મવિશ્વાસને સતત વધાર્યો હતો. ભારતની ટીમ ૧૨ થી ૩૧ જાન્યુઆરીની વચ્ચે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પાંચ એક દિવસીય અને ત્રણ ટી-૨૦ મેચ રમશે.

You might also like