કપાલેશ્વર મહાદેવનું મંદિર, જ્યાં ભગવાન શિવજીની સામે નંદી નથી

નાસિક શહેરના પ્રસિદ્ધ પંચવટી વિસ્તારમાં ગોદાવરીના તટની પાસે કપાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભગવાન શિવજીએ અહીંયાં નિવાસ કર્યો હતો તેવી વાત પુરાણોમાં કહેવામાં આવી છે. આ દેશની અંદર પહેલું મંદિર છે, જ્યાં ભગવાન શિવજીની સામે નંદી નથી.

શિવાલયમાં શિવલિંગ પાસે નંદીની મૂર્તિ અવશ્ય હોય છે, પરંતુ અહીં કપાલેશ્વર મહાદેવ એકમાત્ર એવું મંદિર છે, જ્યાં મંદિરમાં શિવલિંગ પાસે નંદીની મૂર્તિ નથી. આ જ આની વિશેષતા છે. અહીંયાં નંદી ન હોવા પાછળની વાર્તા ખૂબ જ રસપ્રદ છે.

એક દિવસ ઈંદ્રની ભરેલી સભામાં બ્રહ્મદેવ અને શંકર વચ્ચે વિવાદ થઈ ગયો. તે વખતે બ્રહ્મદેવને પાંચ મોઢાં હતાં. ચાર મોઢાં વેદોનું ઉચ્ચારણ કરતાં હતાં અને પાંચમું નિંદા કરતું હતું. તે નિંદાથી કંટાળી જઈને શિવજીએ તે મોઢાને કાપી નાખ્યું.

તે મોઢું તેમને ચોંટીને બેસી ગયું. આ ઘટનાના લીધે તેમને બ્રહ્મહત્યાનું પાપ લાગી ગયું અને તે પાપથી મુક્તિ મેળવવા માટે તેઓ બ્રહ્માંડની અંદર ફરી રહ્યાં હતાં, પરંતુ તેમને મુક્તિનો ઉપાય નહોતો મળી રહ્યો.

એક દિવસ ભગવાન સોમેશ્વર બેઠા હતા ત્યાં તેમની સામે એક ગાય અને તેનું વાછરડું એક બ્રાહ્મણના ઘરની સામે ઊભાં હતાં. તે બ્રાહ્મણ વાછરડાના નાકમાં રસ્સી નાખવાનો હતો. વાછરડું તેના વિરોધમાં હતું. બ્રાહ્મણની વૃત્તિના વિરોધમાં વાછરડું તેને મારવા માગતું હતું તેવામાં જ ગાયે કહ્યું કે બેટા આવું ન કરીશ, નહીંતર તને બ્રહ્મહત્યાનું પાપ લાગશે ત્યારે વાછરડાએ કહ્યું કે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ કેવી રીતે મળે તે મને ખબર છે.

આ સંવાદ સાંભળી રહેલ શિવજીના મનમાં ઉત્સુકતા પેદા થઈ. વાછરડાએ નાકની અંદર રસ્સી નાખવા માટે આવેલ બ્રાહ્મણને પોતાના શીંગડા વડે મારી નાખ્યો. બ્રાહ્મણ માર્યો ગયો. ત્યાર બાદ તે વાછરડાનો રંગ કાળો પડી ગયો. ત્યાર બાદ વાછરડું નીકળી પડ્યું.

શિવજી પણ તેની પાછળ પાછળ ચાલી નીકળ્યા. વાછરડું ગોદાવરી નદીના રામકુંડમાં આવ્યું અને ત્યાં સ્નાન કર્યું. તે સ્નાનના લીધે બ્રહ્મહત્યાનું પાપ ધોવાઈ ગયું અને વાછરડાને પોતાનો સફેદ રંગ ફરીથી પાછો મળી ગયો.

ત્યાર બાદ શિવજીએ પણ રામકુંડમાં સ્નાન કર્યું. તેમને પણ બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મળી ગઈ. આ ગોદાવરી નદીના કિનારે એક ટેકરી હતી. શિવજી ત્યાં ચાલ્યા ગયા. શિવજીને ત્યાં જતા જોઈને (ગાયનું વાછરડું) નંદી પણ ત્યાં ગયું. નંદીના લીધે જ શિવજીને પાપમાંથી મુક્તિ મળી હતી અને એટલા માટે તેમણે નંદીને ગુરુ માન્યો તથા પોતાની સામે ન બેસવા માટે અનુરોધ કર્યો.
આના લીધે જ આ મંદિરમાં નંદી નથી. એવું કહેવામાં આવે છે કે આ નંદી ગોદાવરીના રામકુંડમાં જ છે. આ મંદિરનું ખૂબ જ મહત્ત્વ છે.  ૧૨ જ્યોતિ‌િર્લંગ બાદ આ મંદિર આગળ પડતું ગણાય છે તેવું માનવામાં આવે છે.

પુરાતનકાળમાં આ ટેકરી પર શિવજીની પીંડી હતી, પરંતુ હવે અહીંયાં વિશાળ મંદિર છે. પેશવાઓના કાર્યકાળ દરમિયાન આ મંદિરનો જીર્ણૉદ્ધાર થયો હતો. મંદિરની સીડીઓ ઊતરતાંની સાથે જ સામે ગોદાવરી વહેતી જોવા મળે છે. આ જ મંદિરની અંદર પ્રસિદ્ધ રામકુંડ છે.

ભગવાન રામે પણ આ કુંડની અંદર પોતાના પિતા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. આ સિવાય આ મંદિરની અંદર ઘણાં પરિસર છે.  મુંબઈથી નાસિક ૧૬૦૯ કિલોમીટર છે. પુણેથી નાસિક ર૧૦ કિ.મી છે. બંને જગ્યાએથી નાસિક જવા માટે ઘણી ગાડીઓ છે. મુંબઈથી નાસિક આવવા માટે ઘણી રેલગાડી છે. દેશનાં જુદાં જુદાં નગરમાંથી નાસિક આવવા માટે પણ ગાડીઓ છે. •

You might also like