‘કંટાળા’ ગામને ઍવોર્ડ તો મળ્યો, પણ ‘સહાય’ માટે કંટાળ્યું!

જૂનાગઢ જિલ્લાના કોડીનાર તાલુકાના કંટાળા ગામની સ્થાનિક મહિલાઓએ માત્ર ૪૦ દિવસમાં ગામમાં સો ટકા શૌચાલયો બનાવ્યાં હતાં. આ પ્રસંશનીય કામગીરીને ઉનામાં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જાહેરમાં મહિલા સશક્તીકરણ ઍવોર્ડ આપી સન્માની હતી. ૮મી માર્ચના ‘અભિયાન’ના ‘મહિલા દિન વિશેષાંક’માં અમે તે પ્રકાશિત પણ કર્યું હતું.

જોકે આપણે ત્યાં સરકાર કે સરકારી કામો શા માટે નાગરિકોનો વિશ્વાસ ગુમાવી બેઠાં છે તે સમજવા માટે આ કંટાળા ગામનો દાખલો જ પૂરતો છે. અહીં સ્થાનિક મહિલાઓએ પોતાની મહામૂલી બચતમાંથી પૈસા ખર્ચીને શૌચાલયો બનાવ્યાં. સરકારી નિયમ પ્રમાણે શૌચાલય ઊભું થયા બાદ તે પરિવારને સરકારી રૃપિયા બાર હજારની સરકારી સહાય મળી જાય છે, પરંતુ કંટાળા ગામ આજે પણ સહાયની રકમથી વંચિત છે.

ગામમાં કુલ ૧૧૯ નવાં શૌચાલયો બન્યાં હતાં જેમાંથી માત્ર ૨૬ ઘરોને જ સહાયની રકમ ચૂકવાઈ છે. અન્ય લોકો સહાયની રકમ માટે પાંચ મહિનાથી તાલુકા કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સવાલ એ થાય કે આટલી ઉમદા કામગીરી કર્યા છતાં સરકારી સહાય મેળવવા ગ્રામજનોને કચેરીઓના ધક્કા ખાવા પડતા હોય તો એકલદોકલ વ્યક્તિ સામે અધિકારીઓ કેવા ખેલ કરતાં હશે?

૪૦ દિવસમાં સો ટકા શૌચાલયો ઊભાં કરવાં નાનીસૂની વાત નથી. મહિલાઓએ જાતમહેનતે આ કરી બતાવ્યું છે ત્યારે જોવાનું એ રહેશે કે મહિલા સશક્તીકરણની પ્રણેતા સરકાર આ મહિલાઓને તેમનો હક કેટલા સમયમાં અપાવે છે?

You might also like