આજે કાનપુરમાં ગુજરાતના ‘લાયન્સ’ KKR સામે ગર્જના કરશે

કાનપુર: આ વખતની આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર લીગ)માં એક સમયે ઘણા દિવસો સુધી પૉઇન્ટ ટેબલમાં મોખરે રહેલી ગુજરાત લાયન્સની ટીમે અત્યારે પ્લે-ઑફ (સેમી ફાઇનલ)માં પહોંચવા માટે ઝઝૂમવું પડી રહ્યું છે. આજે આ ટીમનો અહીં કોલકતા નાઇટ રાઇડર્સ સાથે મુકાબલો (રાત્રે ૮.૦૦થી) છે. આ મૅચ જીતનારી ટીમ પ્લે-ઑફમાં સ્થાન લગભગ પાકું કરી લેશે.

ગુજરાતની ટીમે ૧૪ મેએ રૈનાની ગેરહાજરીમાં અને બ્રેન્ડન મેક્કુલમના નેતૃત્વમાં બૅંગલોર સામે ટૂર્નામેન્ટનો સૌથી ખરાબ પરાજય સહન કરવો પડ્યો હતો. એમાં વિરાટ કોહલી (૧૦૯) અને એ. બી. ડી’વિલિયર્સ (૧૨૯)ની સદી પછી ગુજરાત ૧૦૪ રને ઑલઆઉટ થઈ જતાં ૧૪૪ રનના સૌથી મોટા માર્જિનથી હાર જોવી પડી હતી.

કાનપુરમાં આજે રમાનારી આ સૌપ્રથમ આઇપીએલ મૅચમાં કોલકતાનો ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ પગની ઈજાને કારણે નહીં રમે. કોલકતાની ટીમને તેની ખોટ વર્તાશે. બે વાર ચૅમ્પિયન બનેલી આ ટીમ ૧૨માંથી સાત મૅચ જીતી છે અને પાંચ હારી છે છતાં બીજા નંબરે છે. આ વખતની નવી જ ટીમ ગુજરાત લાયન્સ અત્યારે કોલકતા જેટલા જ ૧૪ પૉઇન્ટ ધરાવે છે, પરંતુ ગુજરાતનો રનરેટ કોલકતા કરતાં નબળો છે.

રૈનાની પત્ની પ્રિયંકાએ તાજેતરમાં હૉલેન્ડમાં પુત્રીને જન્મ આપ્યો હતો. રૈના એ અવસર સમયે પત્નીની પડખે રહેવા હૉલેન્ડ ગયો હતો, પરંતુ હવે પાછો આવી ગયો છે. તેણે ૨૦૦૮માં આઇપીએલની શરૂઆત પછી પહેલી જ વાર આ ટુર્નામેન્ટમાં મૅચ ગુમાવી છે. આજની મૅચમાં બન્ને ટીમની ઓપનિંગ જોડીઓની સફળતા વચ્ચે હરીફાઈ થશે. કોલકતાના કૅપ્ટન ગૌતમ ગંભીર અને રૉબિન ઉથપ્પાની સામે ગુજરાતના ડ્વેઇન સ્મિથ તથા બ્રેન્ડન મૅક્લમની કસોટી થશે.

કાનપુરની પીચ પર ઘાસનું નામોનિશાન નથી, જે થોડુંઘણું ઘાસ હતું તેને પણ રોલરથી દબાવી દેવામાં આવ્યું છે. પીચ ક્યુરેટર શિવકુમાર અગાઉ જ આ વિકેટને બેટ્સમેનને અનુકૂળ રહેશે તેવું જણાવી ચૂક્યા છે. ઝાકળ પડવાને કારણે બીજી ઇનિંગ્સમાં બોલિંગ કરનારી ટીમને મુશ્કેલીનો સામનો કરવો પડશે.

You might also like