કાનપુરમાં પોલીસ કસ્ટડીમાં દલિત યુવાનના મોતના પગલે તોફાનો

કાનપુર: કાનપુરના ચકેરી વિસ્તારની અહીરવા પોલીસચોકીમાં કસ્ટડીમાં લેવામાં આવેલ દલિત યુવાનનું મોત થતાં ભારે હોબાળો મચી ગયો હતો. લોકોએ પોલીસચોકીની આસપાસ અેકત્ર થઇને ભારે પથ્થરમારો કર્યો હતો અને આસપાસની દુકાનો અને વાહનોમાં તોડફોડ કરી હતી. પોલીસે તોફાની ટોળાને વિખેરવા માટે અશ્રુવાયુના સેલ છોડીને લાઠીચાર્જ કર્યો હતો.

એસએસપી શલભ માથુરે જણાવ્યું હતું કે પોલીસચોકીના ઇન્ચાર્જ અને ૧ર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પરિવારજનોના જણાવ્યા પ્રમાણે અેક પોલીસ કોન્સ્ટેબલ સહિત પાંચની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

પરિવારજનોએ એવો આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા લૂંટ અને ચોરીની બે ઘટનાઓની બળજબરીપૂર્વક કબૂલાત કરાવવા માટે આ યુવાનની પાશવી મારપીટ કરવામાં આવી હતી અને તેને કરંટ આપવામાં આવતાં કસ્ટડીમાં જ તેનું મોત થયું હતું. દલિત યુવાનના કસ્ટડીમાં મોત નીપજ્યાના મામલે રાજકારણ ગરમાયું છે.

ભાજપ અને બસપાના નેતાઓ અને કાર્યકરો સંવેદના વ્યકત કરતાં કરતાં અંદરોઅંદર જ બાખડી પડ્યા હતા. જ્યારે પોલીસ એવો દાવો કરી રહી છે કે એક છેતરપિંડીના કેસમાં વોરંટ સાથે પોલીસ આ યુવાનને પકડવા ગઇ હતી અને ત્યાર બાદ કસ્ટડીમાં તેણે આત્મહત્યા કરી લીધી હતી.

ચકેરીના રામપુર નિવાસી કિશનલાલ વાલ્મીકિના પુત્ર કમલ અને નિર્મલની પોલીસે ધરપકડ કરી હતી. કમલને અહીરવા ચોકી અને નિર્મલને પોલીસ સ્ટેશનમાં રાખીને લૂંટફાટ અને ચોરીની બે ઘટનામાં તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન કમલનું પોલીસ કસ્ટડીમાં મોત થતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

You might also like