‘ફ્રેન્ડ્સ ઓફ ઝૂ’ને ફ્રેન્ડ્સ નથી મળતા!

અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા ‘કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલય’માં પ્રાણીઓના નિભાવ થતાં ખર્ચને પહોંચી વળવા આઠેક વર્ષ અગાઉ પ્રાણીઓને દત્તક લેવા ‘ફ્રેન્ડ્સ ઓફ ઝૂ’ની યોજના અમલી બનાવાઈ હતી. યોજના અંતર્ગત કોઇ પણ પ્રાણીપ્રેમી પ્રાણીસંગ્રહાલયમાં રહેલાં કોઈ પશુ, પક્ષી કે સરિસૃપ જીવને દત્તક લઈ શકે છે. દત્તક લીધા બાદ જે તે જીવનો નિભાવખર્ચ એ દાતા દ્વારા પૂરો પાડે છે. આ માટે પ્રાણીસંગ્રહાલયના સંચાલકો દાતાના નામની તકતી પણ પાંજરાની બહાર લગાવે છે જેથી મુલાકાતે આવનાર લોકો તેનાથી માહિતગાર બની શકે.

રાજ્યમાં આ યોજના સૌપ્રથમ અમદાવાદના કાંકરિયા ખાતેના કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયમાં શરૂ કરાઈ હતી. બાદમાં રાજકોટ, વડોદરા, જૂનાગઢના પ્રાણીસંગ્રહાલય તથા ગાંધીનગર ખાતેના ઈન્દ્રોડા પાર્કમાં પણ શરૂ કરવામાં આવી હતી. ર૦૦૮માં કમલા નહેરુ પ્રાણીસંગ્રહાલયમાં અમલી બનાવાયેલી આ યોજનાને કેટલી સફળતા મળી છે તેનું મૂલ્યાંકન કરતાં આ યોજનાને આંશિક સફળતા મળી હોવાનું જણાયું હતુંં. યોજના માટે કોઈ માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવીને યોગ્ય પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હોત તો તેનું પરિણામ કંઈક જુદું જ હોત. પ્રચાર-પ્રસારની આ યોજનામાં પ્રાણીઓને દત્તક લેનારાઓની સંખ્યામાં ખાસ્સી વધઘટ જોવા મળી છે.

‘ફ્રેન્ડસ ઓફ ઝૂ’ યોજના અંતર્ગત ૨૦૦૮-૦૯માં કમલા-નહેરુ પ્રાણીસંગ્રહાલયમાં કુલ ૫૭ જીવો (પ્રાણી-પક્ષી-સરિસૃપ)ને દત્તક લેવાયા હતા. પ્રારંભે યોજનાને સારો પ્રતિસાદ મળ્યો હતો. જોકે યોજનાનાં આઠ વર્ષ પછી એટલે કે ચાલુ વર્ષ ૨૦૧૬-૧૭ના નવેમ્બર માસ સુધીમાં માત્ર ૧૪ જીવો જ દત્તક લેવાયા છે. આઠ વર્ષ દરમિયાન આ આંકડામાં ખાસ્સી વધઘટ જોવા મળે છે. યોજનાની શરૂઆત થઈ ત્યારે પોતાના બાળક આદિત્યના નામે રાષ્ટ્રીય પક્ષી મોરને દત્તક લેનાર પ્રાણીપ્રેમી આલોક જૈન કહે છે, “મોર મારાં બાળકોને ખૂબ જ પ્રિય છે. આથી આ યોજના અંતર્ગત કોઈ જીવને દત્તક લેવા અમે મોરની પસંદગી કરી. તેનો વાર્ષિક નિભાવખર્ચ ૪૨૦૦ જેટલો છે.”
આ યોજના હેઠળ સૌથી મોંઘું દત્તક પ્રાણી રૂપા નામની હાથણી છે. જેને જાની એન્ડ કંપની વતી પરેશભાઇએ દત્તક લીધી છે. પરેશભાઈ કહે છે, “મારાં માતુશ્રીના મૃત્યુ પાછળ અમારે પુણ્યકાર્ય કરવું હતું, જે માટે હાથણી રૂપાને દત્તક લીધી. જેનો વાર્ષિક નિભાવ અઢી લાખ રૂપિયા જેટલો આવે છે.”

આ યોજના અંગે વાત કરતાં પ્રાણીસંગ્રહાલયના ડાયરેક્ટર ડૉ. આર. કે. સાહુ કહે છે, “આ યોજના શરૂ કરવાનો મુખ્ય હેતુ મનુષ્યને પ્રાણી-પક્ષીની નજીક લાવવાનો હતો. ફાસ્ટ લાઇફમાં કોઈ વ્યક્તિ પાસે પશુ-પક્ષી ઉછેરવાનો સમય હોતો નથી. તેમાં પણ હાથી, વાઘ, સિંહ જેવાં જંગલી પ્રાણીઓ કે સાપ જેવા સરિસૃપો તો કોઈ પાળે પણ નહીં. આવી યોજનાથી જીવ દત્તક લઈને પ્રાણીપ્રેમીઓ પોતાનો શોખ પૂરો કરે છે. આ યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૨૦૮ પ્રાણીપ્રેમીઓએ ૨૯૮ જીવ દત્તક લીધા છે. જે જીવનો નિભાવખર્ચ ઓછો હોય તેવા જીવોને સૌથી વધુ દત્તક લેવાય છે.”

જોકે શરૂઆતના તબક્કાની સફળતા બાદ આ યોજનામાંથી પ્રાણીપ્રેમીઓનો ધીમે ધીમે ઉત્સાહ ઘટી રહ્યો છે. આ માટે તંત્ર દ્વારા યોગ્ય જાહેરાતના અભાવને પણ જવાબદાર ગણી શકાય.
http://sambhaavnews.com/

You might also like