કાંકરિયા લેકફ્રન્ટના ફૂડસ્ટોલ બન્યા દેશના સર્વપ્રથમ ‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’

અમદાવાદ: કાંકરિયા લેકફ્રન્ટના ફૂડ સ્ટોલને દેશના સર્વપ્રથમ ‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયો છે. જુલાઇ-ર૦૧૭માં યુનેસ્કો દ્વારા અમદાવાદને દેશનું સર્વપ્રથમ હેરિટેજ સિટી જાહેર કરાયું હતું. મુંબઇ, દિલ્હી જેવાં દેશના આંતરરાષ્ટ્રીય પ્રસિદ્ધ શહેરોને પછાડીને અમદાવાદને દેશનું સર્વપ્રથમ હેરિટેજ સિટી જાહેર કરાતાં સ્વાભાવિક અમદાવાદ ઉપરાંત ગુજરાતે તેનું ગૌરવ અનુભવ્યું હતું.

હવે કેન્દ્ર સરકાર દ્વારા દેશની સર્વપ્રથમ ખાઉ ગલીનું ગૌરવ કાંકરિયા લેકફ્રન્ટના ફૂડસ્ટોલને અપાવ્યું છે. કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા ફૂડસ્ટોલના સંદર્ભે વિવિધ પ્રકારની ચકાસણી હાથ ધરાઇ હતી.

ત્યારબાદ જે જે ખામી જણાઇ આવી હતી તેમાં સુધારો કર્યા બાદ ત્રણેક દિવસ પહેલાં કેન્દ્ર દ્વારા આ પ્રકારની જાહેરાત કરાઇ છે. આધારભૂત વર્તુળો કહે છે એક વર્ષ માટે આ પ્રમાણપત્ર અમલમાં રહેશે ત્યારબાદ નવેસરથી ‘ક્લીન સ્ટ્રીટ ફૂડ હબ’નું પ્રમાણપત્ર લેવાનું રહેશે.

કાંકરિયા લેકફ્રન્ટનાં નિર્માણ દરમ્યાન ૪પ અસરગ્રસ્તોને બાલવાટિકા અને ઝૂ પાસે ફૂડસ્ટોલ અપાયા હતા. હાલમાં ઝૂ પાસે ૩૦, બાલાવાટિકા પાસે ર૮, ફિશ એકવેરિયમ ખાતે પાંચ, બલૂન સફારી પાસે ત્રણ મળીને કુલ ૬૬ ફૂડસ્ટોલ કાર્યરત છે. આ ફૂડસ્ટોલના માલિકો પાસેથી રૂ.૩૩૦૦થી રૂ.૧ર૦૦૦ સુધીનું ભાડું લેવાય છે.

You might also like