કાંકરિયાની ત્રણ કરોડની બે મિની ટ્રેનના મેન્ટેનન્સ પાછળ ૫.૬૪ કરોડ ખર્ચાયા!

અમદાવાદ: મ્યુુનિ. કોર્પોરેશન દ્વારા ગત તા.રપથી તા.૩૧ ડિસે. ર૦૦૮ દરમિયાન ભવ્ય અને અવિસ્મરણીય પ્રથમ કાંકરિયા કાર્નિવલની ઉજવણી કરાઇને કાંકરિયા લેકફ્રન્ટ લોકો માટે ખુલ્લું મુકાયું હતું. તે સમયથી આબાલવૃદ્ધોને અટલ એકસપ્રેસ મિની ટ્રેનનું ઘેલું લાગ્યું છે. પછીનાં બીજા વર્ષનાં કાર્નિવલથી એટલે કે ર૦૧૦થી સ્વર્ણિમ જયંતી એકસપ્રેસ મિની ટ્રેન પણ કાંકરિયા તળાવને ફરતે દોડતી કરાઇ. આ બને મિની ટ્રેન બ્રિટનથી મંગાવાઇ હતી. જેની પાછળ આશરે રૂ. ત્રણેક કરોડ ખર્ચાયા હતા. પરંતુ આ મિની ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સના મામલે તંત્રમાં જબ્બર ધુપ્પલ ચાલતું રહ્યું છે. પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા શાસકોએ મેન્ટેનન્સ પાછળ અધધ નાણાં ચૂકવીને ઘાટ કરતા ઘડામણ મોંઘું કર્યું છે.

જાન્યુઆરી, ર૦૦૯થી અટલ એકસપ્રેસનો ઓપરેશન અને મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ અમદાવાદની ખોડલ કોર્પોરેશન પાસે છે. આ કંપનીને જાન્યુ. ર૦૧૦થી સ્વર્ણિમ જયંતી એકસપ્રેસનો પણ કોન્ટ્રાકટ અપાયો છે. દર મહિને કંપનીને પ્રતિ મિની ટ્રેન દીઠ રૂ. ૩.૬૭ લાખ ચુકવાઇ રહ્યા છે.

છેલ્લાં સાત વર્ષથી બંને ‌મિની ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સની ઇજારાશાહી ભોગવતી કંપનીને બદલવા હવે રહી રહીને સત્તાવાળાઓએ ચક્રો ગતિમાન કર્યાં છે. આટલાં વર્ષોમાં પ્રથમવાર કોર્પોરેશને ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી છે. રાષ્ટ્રીય સ્તરની ટેન્ડરિંગ પ્રક્રિયા હાલમાં પ્રગતિ હેઠળ હોઇ ત્રણ મહિનામાં નવી કંપની શોધવાની કવાયત પૂરી કરાશે. જોકે આમાં આઘાતજનક બાબત એ છે કે, હયાત કંપનીની મુદતમાં દર વખતે જેેતે સમયની સ્ટેન્ડિંગ કમિટીએ બે કે ત્રણ વર્ષનો વધારો આંખ મિંચીને કરી આપ્યો છે ! છેલ્લી વધારાયેલી મુદત પણ ગત તા.રપ જૂન, ર૦૧૬એ પૂર્ણ થઇ ગઇ છે ! કાંકરિયા લેકફ્રન્ટ ખાતે દોડતી બંને મિની ટ્રેનનાં ઓપરેશન અને મેન્ટેનન્સ માટે મ્યુનિ. તિજોરીમાંથી દર મહિને રૂ.૮૮.૦૮ લાખ અને છેલ્લાં સાત વર્ષમાં પ.૬૪ કરોડ હાલની કંપનીને ચૂકવાયા હોવાની કબુલાત ખુદ કોર્પોરેશનના ટોચના વર્તુળોએ કરી છે.

એક મિની ટ્રેનની ૧૪૪ બેઠક ક્ષમતા હોઇ દરરોજ આશરે રર થી ર૩ મિની ટ્રેનના ફેરાથી તંત્રને દર મહિને રૂ.૧પ લાખની આવક થતી હોવાનું જણાવતાં આ ટોચનાં વર્તુળો વધુમાં ઉમેરે છે કે, “આ વખતે મેન્ટેનન્સનાં કોન્ટ્રાકટમાં સસ્તું કરવાના આશયથી જ રાષ્ટ્રીય સ્તરના ટેન્ડર પ્રસિદ્ધ કરાયાં હતાં.”

You might also like