કાંકરિયામાં અા રમતગમતનાં સાધનોથી બાળકોને સાચવજો

અમદાવાદ: કાંકરિયા લેક ફ્રન્ટ માત્ર શહેરના લોકો માટે જ નહીં પરંતુ બહારગામથી આવતા લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. હજારો મુલાકાતીઓ અહીં આવે છે. કાંકરિયા લેક ફ્રન્ટની દેખરેખ સારી રીતે કરાય છે ઉપરાંત સ્વચ્છતા પણ જોવા મળે છે. જોકે અહીં ત્રણ ગેટ પાસે બનાવાયેલા બાળકોના એમ્યુઝમેન્ટ પાર્કમાં રમતગમતનાં સાધનો તૂટી ફૂટી ગયાં છે. એટલું જ નહીં બાળકો માટે જોખમી પણ બન્યાં છે. જેની તરફ મ્યુનિ. તંત્રનું ધ્યાન જતું નથી.

કાંકરિયા લેકમાં ગેટ ન. 7, 5, 4 પાસે બાળકો માટે લપસણી છે તો એના પર ચડવાની લોેખંડની સીડી તૂટી ગઈ છે. જે થોડાં બાળકો આવે છે તે લપસણી પરથી જ ચડે છે અને લસરે છે. બાળકો માટેની પ્લાસ્ટિકની લપસણી તૂટી ગઈ છે. બગીચામાં તૂટેલાં સાધનો પાસે રમતા રહે છે. વાલીઓ પણ આ બાબતે ચિંતિત છે. આ બાબતે રજુઆત પણ કરાઈ હતી છતાં નવાં સાધનો મૂકવાની વાત તો દૂર રહી પણ જે છે તેને સાચવવા માટે પણ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી. આવા સંજોગોમાં જો કોઈ બાળક તૂટેલાં સાધનોથી ઘવાય અથવા તો તેમના માટે આ સાધનો જીવલેણ સાબિત થાય તો તેની જવાબદારી કોની… મ્યુનિ કોર્પોરેશન દર વર્ષે કાંકરિયા કાર્નિવલ પાછળ કરોડો રૂપિયા ખર્ચો કરે પરંતુ બાળકોનાં તૂટેલાં સાધનો પર કોઈ ધ્યાન નથી આપતું, કાંકરિયા કાર્નિવલ વખતે હજારો લોકો બાળકો સાથે અાવશે. વાલીઅોઅે તેમના બાળકો તૂટેલા રમતગમતના સાધનોથી અકસ્માતનો ભોગ ન બને તેની સાવચેતી રાખવી પડશે.

કાંકરિયા પ્રાણીસંગ્રહાલયના સુપરિન્ટેન્ડેન્ટ ડો. અાર. કે. શાહુ કહે છે તૂટેલી લપસણીની જગ્યાઅે નવી લપસણી બેસાડવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે.

બાળકોને બગીચામાં ફરવા લઈને આવીયે ત્યારે બગીચાનાં તૂટેલાં સાધનો જોઈને ચિંતા થાય છે. બાળક ભૂલથી તૂટેલાં સાધનો ઉપર રમવા પહોંચી જાય તો તે જોખમી સાબિત થઈ શકે છે એટલે બાળકોને હવે કાંકરિયા લેકના બગીચામાં લાવતાં ડરી રહ્યા છીએ.
સંજય પરમાર ,રખિયાલ

હું મારા બાળકને રોજ કાંકરિયા લઈને આવું છું,છેલ્લા છ મહિનાથી પણ વધારે સમયથી સાધનો તૂટેલી હાલતમાં છે. કોર્પોરેશન દ્વારા કોઈ જ પ્રકારનું મેન્ટેનન્સ રાખવામાં આવતું નથી,અમે કોર્પોરેશનને ઘણી વાર ફરિયાદ કરી પરંતુ કોઈ સાંભળતું જ નથી.
તુષાક પરીખ, મણિનગર
http://sambhaavnews.com/

You might also like