કાંકરિયા લેકફ્રન્ટનાં ૬૦૦ વર્ષ જૂનાં પગથિયાંને નવાં રંગરૂપ અપાશે

અમદાવાદ: કરોડો રૂપિયાના ખર્ચે વિકસિત કરાયેલા કાંકરિયા તળાવનો આશરે ૬૦૦ વર્ષ જૂનો ઇતિહાસ છે. આ તળાવના સદીઓની થપાટથી ઘસાયેલાં અગિયાર પગથિયાંને તંત્ર નવેસરથી તેની ઓળખ જાળવતું રંગરૂપ આપવા જઇ રહ્યું છે.

કાંકરિયા લેકફ્રન્ટની પ્રાણી સંગ્રહાલય ટિકિટબારી એક એટલે કે વ્યાયામ શાળા નજીકના ગેટ નં.૩ની અંદરની બાજુએથી સર્પગૃહની સામેના ભાગમાં આવેલા ગેટ સુધીનાં ૬૦૦ વર્ષ જૂનાં પગથિયાંના જિર્ણોદ્ધારનું કામ હેરિટેજ વિભાગ દ્વારા હાથ ધરાયું છે. હેરિટેજ વિભાગના ઇજનેર અમિત પટેલ કહે છે કે, “આ જગ્યાના મોટા ભાગનાં પગથિયાં ખરાબ થઇ ગયાં છે અથવા તો તૂટી ગયાં હોઇ જેનો ઉપયોગ ફરીથી કરી શકાશે તેવાં પગથિયાંને ઉપયોગમાં લઇ અન્ય જગ્યાએ નવાં પગથિયાં નંખાશે. જોકે નવાં પગથિયાંઓ જૂનાની ઓળખ જાળવી રાખનારાં હશે.”

આમ તો ગેટ નં.૩થી સર્પગૃહની સામેના ભાગ સુધીનાં પગથિયાંની કુલ લંબાઇ ર૭૦ મીટરથી વધુની છે, પરંતુ કોર્પોરેશન પ્રથમ તબક્કામાં ફકત ૧૦૦ મીટર પગથિયાંનો જિર્ણોદ્ધાર કરશે. આ માટે હાલમાં રૂ.૬૭ લાખનો અંદાજ મંજૂર કરાયો છે. અંદાજ આધારિત વધઘટ ધરાવતા સૌથી ઓછા ભાવના ટેન્ડરરને કામ સોંપાયા બાદ પણ જિર્ણોદ્ધારની કામગીરી આશરે એક વર્ષ ચાલશે. કોર્પોરેશન દ્વારા આ જગ્યા પર કુલ ૧૧ પગથિયાં પૈકી છ પગથિયાં જમીનથી ચઢતા સ્તરનાં છે. તો પાંચ પગથિયાં જમીનમાંથી ઊતરતાં સ્તરનાં છે.

You might also like