કાંકરિયાની રિક્રિએશન એજન્સીઓને બારોબાર મુદત વધારી અપાઈ

અમદાવાદ: મ્યુનિ. તંત્ર દ્વારા રૂ. ૩૬ કરોડના ખર્ચે કાંકરિયાને મનોરમ્ય રંગરૂપ અપાતા ગુજરાત બહારના પ્રવાસીઓનું પણ તે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. હાલ વેકેશન હોઇ દરરોજના હજારો લોકો કાંકરિયા ખાતે ઊમટી રહ્યા છે. આવા કમાણીના દિવસોમાં તંત્ર મહેરબાન થવાની કાંકરિયાની વિવિધ રિક્રિએશનલ એજન્સીઓ માટે ‘અચ્છે દિન’ આવ્યા છે.

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે બોલ પીટ્સ, બોલિંગ એસી, બુલરાઇડ માટે સાંઇ વર્ષા, કેરોઝલ, ડોરા ટોરા, શિપ રાઇડ, એવિયન રાઇડ માટે સ્કાય વન્ડરર્સ અને અલ્વાઇન ટાવર, હાર્વેસ ઝોર્બિગ, બોડી ઝોર્બિગ માટે નાઇડ્સ એન્ટરપ્રાઇઝ રિક્રિએશન એજન્સીને કોન્ટ્રાક્ટ અપાયો છે. આ ઉપરાંત જૂની રિક્રિએશન એક્ટિવિટીઝ હિમ એડ્વેન્ચર અને ઇન્ડિયા બંજી નામની બે એજન્સી સંભાળી રહી છે.

આ તમામે તમામ પાંચ એજન્સીઓનું લાઇસન્સ ગત તા. ૨૯ માર્ચ, ૨૦૧૬ સુધીનું હતું. એટલે સત્તાવાળાઓ ધારત તો લાઇસન્સ પિરિયડ પતે તે પહેલાં નવી એજન્સીઓની નિમણૂક માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી શક્યા હોત, પરંતુ તેમ કરાયું નથી.

આના બદલે સત્તાવાળાઓએ આ એજન્સીઓની મુદતમાં વધુ બે મહિનાનો વધારો કરીને આપ્યો છે. જાણકાર સૂત્રો કહે છે કે હવે સમગ્ર ઉનાળાના વેકેશન દરમિયાન આ સઘળી એજન્સીઓને જબ્બર નાણાકીય આવક થશે. તંત્રે આગામી તા. ૩૧ મે, ૨૦૧૬ સુધીની મુદત વધારી આપીને એજન્સીને બખ્ખેબખ્ખાં કરાવી દીધાં છે. દરમિયાન દક્ષિણ ઝોના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર સી.આર. ખરસાણ કહે છે કે નવી એજન્સીઓને નિમવાની ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઇ હોઇ ટૂંક સમયમાં નવી એજન્સીઓ આવશે.

You might also like