કાંકરિયા લેકફ્રન્ટના મુલાકાતીઓને ‘કોમ્બો ટિકિટ’ અાપવા વિચારણા

અમદાવાદ: ગત તા. ૮ નવેમ્બરની નોટબંધીના એલાન બાદ સમગ્ર દેશમાં લોકો રોકડ રકમની ઓછી-વધતી તંગી અનુભવી રહ્યા છે. આનાથી અમદાવાદીઓ પણ બાકાત નથી, જોકે રાજ્યભરના ખ્યાતિપ્રાપ્ત કાંકરિયા લેક ફ્રન્ટના મુલાકાતીઓને ડગલે ને પગલે એક અથવા બીજા પ્રકારની ટિકિટ લેવા લાંબી લાંબી કતારોમાં જોતરાવું પડે છે. અલબત્ત, મુલાકાતીઓની આ તકલીફનું નિરાકરણ લાવવા શહેરના શાસકોએ કાંકરિયા લેક ફ્રન્ટમાં પ્રવેશ વખતે જ મુલાકાતીઓને ‘કોમ્બો ટિકિટ’ આપવાની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે.

અત્યારે કાંકરિયા કાર્નિવલના કારણે દરરોજ માનવમહેરામણ ઊમટી રહ્યો છે, સામાન્ય દિવસોમાં દરરોજ દશથી બાર હજાર અને શનિ-રવિ તેમજ જાહેર રજાઓમાં કાંકરિયા લેક ફ્રન્ટનો ૨૦થી ૨૫ હજાર મુલાકાતીઓ આનંદ લેતા હોય છે, જેના પગલે કોર્પોરેશનને દૈનિક બે લાખથી માંડીને પાંચ લાખ સુધીની આવક થાય છે.

પરંતુ સૌથી મોટી વિટંબણા પ્રવેશ લીધા બાદ પણ વિવિધ મનોરંજક પ્રવૃત્તિઓ જોવા કે માણવા લેવી પડતી અલગ અલગ ટિકિટ વ્યવસ્થાની છે. મુલાકાતીઓમાં સૌથી પહેલું આકર્ષણ મિની ટ્રેનની સફરનું છે, જેમાં પુખ્તો અને બાળકો માટે ક્રમશઃ રૂ. ૨૫ અને રૂ. ૧૦ની ટિકિટ છે ત્યાર બાદ રૂ. ૨૭૦ની ટિકિટ લઇને મુલાકાતીઓ બલૂન સફારીની ઉડાન અને બાળકોને પ્રિય કિડ્સ સિટીની મુલાકાત લેવાનું પસંદ કરે છે. ગેટ નંબર-૬ પાસેના એમ્યુઝમેન્ટ પાર્ક- એક અને ગેટ નંબર-પાંચ પાસેના એમ્યુઝમેન્ટ પાર્ક-બે પણ બાળકોને આકર્ષિત કરે છે.

સ્પીડ બોટ સહિતના બોટિંગનો રોમાંચ, ઝૂ, બાલવાટિકા અને બટરફ્લાય જેવી વિવિધ જગ્યાઓ પણ લોકાર્ષણનું કેન્દ્ર છે. આ તમામ સ્થળોએ વિવિધ દરની ટિકિટ લેવા મુલાકાતીઓને લાંબી કતારમાં ઊભા રહીને પણ બુકિંગ સ્ટાફ સાથે અનેક વાર છૂટા પૈસાનો કકળાટ કરવો પડે છે. તંત્ર દ્વારા તાજેતરમાં વીસ સ્વાઇપ મશીનોની સુવિધા ‘કેશલેસ’ ચુકવણી માટે ઊભી કરાઇ છે, પરંતુ આ સુવિધા અપૂરતી હોવાની શાસક પક્ષે નોંધ લીધી છે. શહેરના મેયર ગૌતમ શાહ કહે છે કે કાંકરિયા લેક ફ્રન્ટના મુલાકાતીઓને પ્રવેશ લેતાંની સાથે કોમ્બો પેકેજ ધરાવતી ટિકિટ મળી રહે તે દિશામાં વિચારણા હાથ ધરાશે.
http://sambhaavnews.com/

You might also like