કાંકરિયા કાર્નિવલમાં ‘કતાર મેં હૈ દેશ’ કાર્યક્રમ ટાળીને શાસકોએ નોટબંધી-ડિજિટાઈજેશન પર ફક્ત પાંચ મિનિટ ફાળવી!

અમદાવાદ: કેન્દ્ર સરકારના ગત તા.આઠ નવેમ્બરના નોટબંધીના નિર્ણયને હવે ૪૫ દિવસ પૂરા થયા છે તેમ છતાં પ્રજાની હાલાકી ઓછી થવાનું નામ લેતી નથી. એટીએમ ખાલીખમ પડ્યાં છે, બેન્કમાંથી પૂરતી રોકડ મળતી નથી. હજુ ફેબ્રુઆરી સુધી નોટબંધીની અસર વર્તાશે તેવું ખુદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા કબૂલે છે. એક પ્રકારે આખો દેશ લાઈનમાં ઊભો છે. બીજી તરફ સામાન્ય લોકો મહંદશે રોકડ વ્યવહારથી જ ટેવાયેલા છે. સરકારી સ્તરેથી ડિજિટાઈજેશનની સમજણ અપાઈ નથી. ઓનલાઈન ઠગાઈના કિસ્સા વધ્યા છે. આવા વિષય સંજોગોમાં જનજાગૃતિ કરાવવાના બદલે શહેરના શાસકોએ કાંકરિયા કાર્નિવલમાં નોટબંધી-ડિજિટાઈજેશન માટે ફક્ત પાંચ મિનિટ ફાળવતાં સર્વત્ર આશ્ચર્ય ફેલાયું છે.

આવતી કાલથી શરૂ થનારા કાંકરિયા કાર્નિવલનો રંગારંગ ઉત્સવમાં કોર્પોરેશન તા.૩૧મી ડિસેમ્બર સુધી નીત નવા કાર્યક્રમો રજૂ કરશે. કાર્નિવલનું ઉદ્ઘાટન રવિવારે સાંજે સવા સાત વાગ્ય વિજય રૂપાણી કરશે તો છેલ્લા દિવસના સમાપન સમારોહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહેશે. આવતી કાલે રાતે આઠથી દસ વાગ્યા સુધી ‘સર્જિકલ સ્ટ્રાઈક’ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.

જો કે ‘બંદે મેં હૈ દમ’ શીર્ષક ધરાવતા બે કલાકના આ કાર્યક્રમમાં આશ્ચર્યજનક રીતે નોટબંધી અને ડિજિટાઈજેશન માટે ફક્ત પાંચ મિનિટ ફાળવી છે. ખરેખર તો કાર્નિવલમાં માનવ મહેરામણ ઊભરતો હોઈ નોટબંધી અને ડિજિટાઈજેશન માટે લોકોને જાગૃત કરાવવા ‘કતાર મેં હૈ દેશ’ જેવા અલગથી સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાની ખાસ જરૂર હતી. પરંતુ ભાજપના સત્તાધીશોએ આમાં પીઠેહઠ કરતાં મ્યુનિ. વર્તુળોમાં આકરી ટીકા થઈ રહી છે.

દરમિયાન નવમા કાર્નિવલ પાછળ મ્યુનિ. તિજોરીમાંથી ઓછામાં ઓછા રૂ.૩.૫૦ કરોડ ખર્ચાશે. આ વખતે નોટબંધીના કારણે કાર્નિવલના ખર્ચમાં કરકસર કરાશે તેવા તંત્રના દાવા પોકળ ઠર્યા છે. કેમ કે ખુદ શાસકોએ ગઈ કાલે મીડિયા સાથેની વાતચીતમાં રૂ.૩.૫૦ કરોડના ખર્ચની કબૂલાત કરી હતી. જોકે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટોના પૂર્વ નિર્ધારિત ઉદ્ઘાટન અને ભૂમિપૂજનના કાર્યક્રમને દિલ્હી હાઈકમાન્ડની સૂચનાથી છેલ્લી ઘડીએે રદ કરી દેવાયો છે. ગુજરાત વિભાનસભાની આગામી ચૂંટણીના કારણે શહેરમાં એક પછી એક વિકાસલક્ષી પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવાનો આદેશ દિલ્હી હાઈકમાન્ડ દ્વારા મેયર, સ્ટેન્ડિંગ, ચેરમેનને અપાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

‘અમદાવાદનું હૃદય કાંકરિયા’ થીમ સોંગ કાર્નિવલ ગજાવશે
કાંકરિયા કાર્નિવલ, કાંકરિયા કાર્નિવલ,
અમદાવાદનું હૃદય કાંકરિયા
એનો છે આ તરવરાટ,
ઉત્સવ છે ઉત્સાહનો અહીંયા,
શ્વાસ શ્વાસમાં થનગનાટ.
સદાબહાર ગુજરાતીઓનો યાદગાર ફેસ્ટિવલ,
ચાલો, ચાલો, ચાલો ઊજવીએ,
કાંકરિયા કાર્નિવલ…
http://sambhaavnews.com/

You might also like