૨૫મીથી રંગારંગ કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન

અમદાવાદ: કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે આગામી તા. ૨૫ થી ૩૧મી ડિસેમ્બર સુધી રંગારંગ કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન આગામી તા. ૨૫મીએ સાંજે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે કરાશે. તેમ મેયર ગૌતમભાઈ શાહે આજે પત્રકારોને જણાવ્યું હતું.

સતત આઠમી વખત કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. સાત દિવસના ભવ્ય આયોજન દરમ્યાન ગયા વર્ષે ૩૦ લાખ લોકોએ કાર્નિવલને માણ્યો હતો. આ વર્ષે પણ ૩૦ લાખથી વધુ લોકો કાર્નિવલના રંગારંગ કાર્યક્રમ નિહાળીને આનંદ મેળવશે તેની પાછળ રૂ. ૩.૧૦ કરોડનો ખર્ચ થશે તેમ મેયર શાહે જણાવ્યું હતું.

કાર્નિવલના આકર્ષણોમાં વિવિધ સાંસ્કૃતિક અને સંગીત કાર્યક્રમો, લોક નૃત્યો, હોર્સ અને ડોગ શો, હિન્દી પ્લે બેક સિંગીંગ, વંદે ઈન્ડિયા થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ, રોક બેન્ડ્સ, ડ્રામા, માઈમ પર્ફોર્મન્સ, ફલેશ મોેબ, તબલા પર્ફોમન્સ, માઉથ ઓર્ગન પર્ફોર્મન્સ, થીમ લાઈટિંગ, લાઈટ એન્ડ સાઉન્ડ શો તથા ભવ્ય આતશબાજી જેવા સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ-૨૦૧૫ દરમ્યાન મુલાકાતીઓને કાંકરિયા લેક પરિસરમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે.

કાર્નિવલના આકર્ષણો
તા. ૨૫ ડિસેમ્બરના રોજ ”રેતનાં રતન” થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મ્યુનિસિપલ શાળાનાં બાળકોમાં રહેલા વિવિધ કૌશલ્યને પ્રોત્સાહન પૂરું પાડવાનાં હેતુથી આવી પ્રતિભા ધરાવતાં બાળકોને તૈયાર કરીને તેમના દ્વારા આ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. કાર્નિવલ દરમ્યાન ગુજરાતી નામંકિત કલાકારો દ્વારા લોકો ડાયરોઃ ”ધન્ય ધરા ગુજરાતની તથા લોકજીવનના મોતી” કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

”વંદે ઈન્ડિયા” થીમ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે. જેમાં, તામિલનાડુની ગણપતિ સ્તુતિ (ભરત નાટ્યમ), આંધ્રપ્રદેશનું કુચીપુડી નૃત્ય, પંજાબના ભાંગડા, મણિપુરનું તલાવર નૃત્યુ, ઓરિસ્સાનું સાંબલપુર નૃત્ય, રાજસ્થાનની ભવાઈ અને ઘુમર, મહારાષ્ટ્રની લાવણી અને ગુજરાતના ગરબાનો સમાવેશ કરવામાં આવશે. ડ્રમ્સ ઓફ ઈન્ડિયા થીમ પર આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમ. સ્વચ્છતા અભિયાન, પાણી બચાવો, નો-સ્મોકિંગ, ડિજિટલ ઈન્ડિયા, નશાબંધી અને ટ્રાફિક સમસ્યા જેવા વિવિધ વિષયોને આવરી લેતું માઈમ પર્ફોર્મન્સ, હાસ્ય રમૂજ આધારિત ડ્રામા પર્ફોર્મન્સ, ઓગમેન્ટેડ રિયાલિટી તથા ફ્લોગોશની મજા મુલાકાતીઓ માણી શકશે. લાઈટ એન્ડ સાઉન્ડ શો કાર્નિવલના સાતેય દિવસ રજૂ કરવામાં આવનાર છે.

કાંકરિયા કાર્નિવલ દરમ્યાન હાસ્ય દરબાર ગુજરાતી તેમજ હિન્દી પ્લે બેક સિંગીંગનો કાર્યક્રમ અમદાવાદના કલાકાર દ્વારા ૩ડી પેઈન્ટિંગ રોક બેન્ડ દ્વારા પર્ફોર્મન્સ રજૂ થશે. ઈન્ડિયન તથા વેસ્ટર્ન બહેરૂપિયા તથા લાઈવ કેરેકટર્સ મુલાકાતીઓનું મનોરંજન કરતાં જોવા મળશે તેમજ ખાસ કરીને બાળકો તેઓની સાથે ફોટો પડાવવાની મજા માણી શકશે. ફૂડ કોર્ટ હોર્સ તથા ડોગ શો ડિફરન્ટલી એબલ્ડ બાળકો દ્વારા કલ્ચરલ પ્રોગ્રામ તથા ટ્રાઈસિકલ સ્ટેજ પરથી માઉથ ઓર્ગન તથા સમૂહ તબલા વાદનનો કાર્યક્રમ કાર્યક્રમના અંતે દરરોજ ભવ્ય આતશબાજીથી આકાશ ઝાકઝમાળ રોશની તથા વિવિધ રંગોેથી ભરાઈ જવા પામશે.

કાંકરિયા કાર્નિવલ-૨૦૧૫ દરમ્યાન ખૂબ જ મોટા પ્રમાણમાં મુલાકાતીઓ આવનાર હોઈ આયોજનના ભાગરૂપે કાંકરિયા લેક ફ્રન્ટ નજીક આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ઓટોમેટેડ મલ્ટીલેવલ પાર્કિંગ જાહેર જનતા માટે વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

મુખ્યમંત્રી આનંદીબહેન કાંકરિયા કાર્નિવલના ઉદ્ઘાટન ઉપરાંત ૩૩૨ વિકાસ કામોનું લોકાર્પણ કરશે
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ આઠમા કાંકરિયા કાર્નિવલનું તા. ૨૫મીએ ઉદ્ઘાટન કરશે. આ નિમિત્તે શહેરમાં થયેલા ૩૩૨ વિકાસના કામોનું લોકાર્પણ કરશે. કાંકરિયા કાર્નિવલ ખાતે મિનિ ટ્રેન ઉપરાંત હવે જલપરિ બસ શરૂ કરાશે. બાળકો માટે ખાસ આકર્ષિત બનાવેલી જલપરિ બસ ડીઝલ ઉપરાંત બેટરીથી પણ ચાલે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કાર્નિવલનું આ વર્ષે સૌથી મોટું આકર્ષણ લાઈટ એન્ડ સાઉન્ડ શો બની રહેશે.

કાર્નિવલમાં આ વર્ષે દોઢ કરોડનો ખર્ચ કાપ મુકાશે
કાંકરિયા કાર્નિવલમાં આ વર્ષે રૂ. દોઢ કરોડનો કાપ મૂકવામાં આવ્યો છે. સામાન્ય રીતે રૂ. પાંચ કરોડનો ખર્ચ થાય છે તેમાં દોઢ કરોડનો કાપ મૂકીને હવે રૂ. સાડા ત્રણ કરોડનો ખર્ચ થશે. આમ અગાઉના વર્ષોમાં કાર્નિવલમાં થતાં આડેધડ થતાં ખર્ચ ઉપર કરકસર કરાશે. આ વર્ષે કાંકરિયા કાર્નિવલમાં ત્રણની જગ્યાએ બે બાલવાટિકા અને પુષ્પકુંજ ખાતે જ સ્ટેજ બનાવવામાં આવશે. વ્યાયામ શાળા ખાતેનું સ્ટેજ કેન્સલ કરવામાં આવ્યું છે. તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવિણ પટેલે જણાવ્યું હતું.

You might also like