કાંકરિયા બાળવાટિકામાં મુલાકાતીઓ આવતા નથી!

અમદાવાદ: એક તરફ મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ કાંકરિયા લેકફ્રન્ટમાં આબાલ-વૃદ્ધોને આકર્ષવા માટે અવનવાં આકર્ષણો ઉમેરાતાં જાય છે. કાંકરિયા લેકફ્રન્ટને વધુ સુંદર અને સોહામણું કરવા આડેધડ રીતે ખર્ચા કરતા જાય છે. બીજી તરફ અત્રે આવેલું બાળવાટિકા તંત્રની ઉપેક્ષાનો શિકાર બન્યું છે. જેના કારણે મુલાકાતીઓ પણ આવતા નથી.

રામોલ-હાથીજણના કોર્પોરેટર અતુલ પટેલના તાજેતરમાં સંપન્ન થયેલી કોર્પોરેશનની બજેટ બેઠક દરમિયાન આ અંગે પૂછાયેલા એક પ્રશ્નના લેખિત ઉત્તર પાઠવતાં તંત્રે આપેલી આંકડાકીય માહિતીના આધારે બાળવાટિકામાં મુલાકાતીઓ ઉમળકાભેર જતા નથી તે બાબતનો ઘટસ્ફોટ થયો છે. હજી મુલાકાતીઓમાં પ્રાણી સંગ્રહાલયનું કંઈક અંશે આકર્ષણ જળવાઈ રહ્યું છે પરંતુ બાળકો માટેની બાળવાટિકા હવે મુલાકાતીઓને શુષ્ક-શુષ્ક લાગે છે.

મ્યુનિ. સત્તાવાળાઓએ આપેલી આંકડાકીય માહિતી મુજબ વર્ષ ૨૦૧૩-૧૪માં બાળવાટિકાની ૧૦,૪૩,૮૪૦ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જ્યારે વર્ષ ૨૦૧૪-૧૫માં ફક્ત ૭,૫૭,૩૩૨ મુલાકાતીઓ જ આવ્યા હતા. એટલે કે એક જ વર્ષમાં ૨,૮૬,૫૦૮ મુલાકાતીઓ ઘટ્યા છે.

મુલાકાતીઓ ઘટતાં સ્વાભાવિકપણે આવકમાં પણ ઘટાડો થયો છે. વર્ષ ૨૦૧૩-૧૪માં કોર્પોરેશનને રૂ.૨૮,૫૯,૫૫૩ની આવક થઈ હતી. જે વર્ષ ૨૦૧૪-૧૫માં ઘટીને રૂ.૨૦,૧૨,૪૩૬ની થઈ હતી. એટલ કે મ્યુનિ. તિજોરીને આવકમાં એક જ વર્ષમાં રૂ.૮.૪૭ લાખથી વધુ ફટકો પડ્યો હતો.

જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં વાઘ, સિંહના લીધે મુલાકાતીઓ ખેંચાઈ રહ્યા હોઇ વર્ષ ૨૦૧૩-૧૪માં ૧૮,૬૬,૦૦૯ મુલાકાતીઓ અને રૂ.૩,૩૬,૭૧,૭૭૦ની આવકની તુલનામાં વર્ષ ૨૦૧૪-૧૫માં ૨૦,૮૦,૧૪૧ મુલાકાતીઓ અને રૂ.૩,૫૮,૮૦,૧૦૦ની આવક થઈ હતી. આમ મુલાકાતીઓની સંખ્યામાં ૨.૧૪ લાખ અને પ્રાણી સંગ્રહાલયની આવકમાં રૂ.૨૨.૦૯ લાખનો વધારો થયો છે.

જોકે પ્રાણી સંગ્રહાલય વિભાગનો ખર્ચ આવક કરતાં વધારે છે. પ્રાણી સંગ્રહાલયમાં સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને સરિસૃપ મળીને કુલ ત્રણ પ્રકારના ૧૮૧૫ પ્રાણીઓ તેમજ સ્ટાફના પાછળ વર્ષ ૨૦૧૩-૧૪માં આશરે રૂ.૪.૭૩ કરોડથી વધુ અને વર્ષ ૨૦૧૪-૧૫માં રૂ.૫.૪૪ કરોડથી વધુ ખર્ચાયા હતા.

You might also like