કન્હૈયાકુમારને આટલો બધો ચગાવવો કેટલા અંશે યોગ્ય?

પ્રચંડ બહુમતી અને જનાદેશ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર રચાયાને હજુ બે વર્ષ પૂરાં થયાં નથી ત્યાં તો દેશની સામાજિક અને રાજકીય સ્થિતિ એક વિચિત્ર દોરમાં પ્રવેશી ચૂકી છે. સંસદથી લઇને કેમ્પસ સુધી જાણે બધાનો ગરાસ લુંટાઇ ગયો હોય તેમ ઉહાપોહ અને હોબાળો મચી ગયો છે. હાલ જે અસહિષ્ણુતા, કેમ્પસમાં સ્વાયત્તતા, અભિવ્યકિતનું સ્વાતંત્ર્ય જેવા મુદ્દાઓ જોરશોરથી ઉછાળવામાં આવી રહ્યા છે. યુપીએ સરકાર હતી ત્યારે આ બધા મુદ્દા કયાં ગાયબ થઇ ગયા હતા? શું એ વખતે બિલકુલ અસહિષ્ણુતા ન હતી.
ગઇ સાલ મોટા ભાગનો સમય અસહિષ્ણુતાની ચર્ચામાં ખર્ચાઇ ગયો હતો. હવે વિભાજનને લઇને નવી ચર્ચા શરૂ થઇ ગઇ છે. કોણ દેશદ્રોહી છે અને કોણ દેશપ્રેમી છે? તેની ચર્ચા જોર-શોરથી શરૂ થઇ ગઇ છે અને આ ચર્ચાના એપી સેન્ટર તરીકે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી કેમ્પસ છે. જેએનયુ પર આજકાલ જે રીતે રાજકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે જેએનયુ હવે શૈક્ષણિક સંસ્થા મટીને જાણે રાજકીય પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગઇ છે.
એ વાત સાચી છે કે શિક્ષણ ક્ષેત્રમાં સ્વાયત્તતા અને ખાસ કરીને અભિવ્યકિતની સ્વતંત્રતા હોવી જોઇએ. ઓકસફોર્ડ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં સ્વાયત્તતાનો માહોલ જોવા મળે છે, પરંતુ ત્યાં સ્વાયત્તતા પર રાજકારણ હાવી થઇ જતું નથી. જ્યારે આપણે ત્યાં સ્વાયત્તતા અને અભિવ્યકિતના સ્વાતંત્ર્યના નામે રાજકારણ હાવી થઇ ગયું છે અને જેએનયુના વિદ્યાર્થી નેતાઓને હાથા બનાવીને નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. એમાંય દેશદ્રોહના આરોપસર ધરપકડ કરાયેલ જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયાકુમારને જામીન મળ્યા બાદ તેણે જેએનયુ કેમ્પસ પર જે ભાષણ આપ્યું હતું તેને વધુ પડતું કોંગ્રેસ, આપ અને ડાબેરી જેવા રાજકીય પક્ષો દ્વારા મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. જાણે કે કન્હૈયાકુમાર કોઇ મોટી રાજકીય હસ્તી કેમ ન હોય? ડાબેરીઓએ તો એવી જાહેરાત પણ કરી દીધી છે કે કન્હૈયાકુમાર આગામી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ડાબેરી પક્ષો વતી ચૂંટણી પ્રચાર કરશે. ડાબેરીઓની આ જાહેરાતથી સ્પષ્ટ થઇ ગયું છે કે તેઓ પણ કન્હૈયાને પ્રોજેકટ કરીને લોકોના મત ખેરવવા માગે છે. આ રાજકીય સ્વાર્થ નથી તો બીજું શું છે?
રાજકીય પક્ષો જે રીતે કન્હૈયાકુમારની આરતી ઉતારી રહ્યા છે તે જોઇને ભાજપના કેટલાક નેતાઓ ખફા થયા છે. જેએનયુમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરવાના આરોપમાં ધરપકડ કરાયેલા જેએનયુ વિદ્યાર્થી સંઘના પ્રમુખ કન્હૈયા કુમારને જામીન મળ્યા બાદ તેણે પીએમ મોદી અને ભાજપ સામે નિશાન તાકીને પ્રહાર કર્યા હતા. કન્હૈયા કુમારના ભાષણથી ખફા ભાજપ યુવા મોરચાના એક નેતાએ કન્હૈયા કુમાર વિરુદ્ધ ઝેર ઓકતાં જણાવ્યું હતું કે કન્હૈયાની જીભ કાપી લાવનારને રૂ.પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.
બીજેવાયએમના બદાયુ જિલ્લા પ્રમુખ કુલદીપ વાર્ષ્ણેયે કન્હૈયાકુમાર સામે નારાજગી દર્શાવી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશ વિરોધી અને આતંકવાદી અફઝલ ગુરુના સમર્થનમાં સૂત્રો પોકાર્યા બાદ કન્હૈયા કુમાર હવે ગમે તેની સામે નિશાન તાકી રહ્યો છે. છ મહિનાના શરતી વચગાળાના જામીન પર છૂટેલા કન્હૈયાએ તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ જેએનયુમાં એક જાહેર ભાષણ કર્યું હતું અને પાછળથી મીડિયા પર પણ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. આ દરમિયાન કન્હૈયાએ પીએમ મોદી, ભાજપ સરકાર, આરએસએસ અને એબીવીપીને નિશાન બનાવ્યા હતા.
જેએનયુમાં માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ બુદ્ધિજીવી ગણાતા જેએનયુના પ્રાધ્યાપકો અને શિક્ષણવિદો પણ હવે વિવાદાસ્પદ નિવેદનો કરવા લાગ્યા છે. દેશદ્રોહ મામલે જેએનયુમાં હોબાળો મચી ગયા બાદ હવે વધુ એક નવો વીડિયો સામે આવ્યો છે. યુ ટ્યૂબ પર ઉપલબ્ધ આ વીડિયો ક્લિપમાં જેએનયુની સ્કૂલ ઓફ ઇન્ટરનેશનલ સ્ટડીઝનાં પ્રોફેસર નિવે‌િદતા મેનન એવું કહેતાં નજરે પડે છે કે કાશ્મીર પર ભારતનો ગેરકાયદે કબજો છે અને સમગ્ર વિશ્વ એવું માને છે કે ભારતે કાશ્મીર પચાવી પાડ્યું છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે જેએનયુ કેમ્પસમાં આ વાત પ્રોફેસર નિવે‌િદતા મેનન દરરોજ વહીવટી બ્લોકની બહાર યોજાતી રાષ્ટ્રવાદી પાઠશાળામાં કહે છે. આમ જેએનયુ વિવાદમાં વાતનું વતેસર જાણી જોઇને કરવામાં આવી રહ્યું હોય એમ લાગી રહ્યું છે. જો આ રીતે સતત વિવાદો-આક્ષેપો અને પ્રતિ આક્ષેપો ચાલુ રહેશે તો જેએનયુ શિક્ષણ સંસ્થા તરીકે ખતમ થઇ જશે.

You might also like