કન્હૈયા પર સેમિનારમાં જૂતું ફેંકાયું

હૈદરાબાદ: રોહિત વેમુલાના મુદ્દે હૈદરાબાદ કેન્દ્રીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સહાનુભૂતિ પ્રગટ કરવા આવેલ જેએનયુ વિદ્યાર્થી સંગઠનના વડા કન્હૈયાકુમાર પર એક કાર્યક્રમ દરમિયાન જૂતું ફેંકવામાં આવ્યું હતું. જોકે આ જૂતું તેને વાગ્યું ન હતું અને સ્ટેજની પહેલાં પડી ગયું હતું. જૂતું ફેંકનાર શખસની આજુબાજુ ઊભેલા લોકોએ પકડીને ધોલાઈ કરી અને ત્યાર બાદ તેને પોલીસને હવાલે સોંપ્યો હતો. જૂતું ફેંકનાર શખસ બૂમો પાડી કહી રહ્યો હતો કે ‘કન્હૈયા જેવા દેશદ્રોહીઓને બોલવા નહીં દેવા જોઈએ. પોલીસે હુમલાખોરની ધરપકડ કર્યા બાદ મિટિંગ ચાલુ થઈ હતી.’

આ પહેલાં ૨૮ વર્ષીય કન્હૈયાકુમારે આ કાર્યક્રમમાં કહ્યું કે દિલ્હીની જવાહરલાલ યુનિવર્સિટી અને હૈદરાબાદ કેન્દ્રીય યુનિવર્સિટીમાં ઘણી સમાનતા છે. અહીં પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમના માટે એવું કહેવું યોગ્ય નથી કે વિદ્યાર્થીઓ કાબૂ બહાર જઈ રહ્યા છે. આઈઆઈટી ચેન્નઈ, ફર્ગ્યુસન કોલેજ અન એફટીઆઈઆઈમાં એક જેવી ઘટના કેવી રીતે બની શકે. આપણને એ પ્રશ્ન પૂછવાનો હક્ક છે કે મોટાભાગના કેમ્પસ યુદ્ધક્ષેત્ર કેમ બની રહ્યાં છે.

કન્હૈયાકુમારે આરોપ મૂક્યો છે કે શૈક્ષણિક સંસ્થાઓને નિશાન બનાવાઈ રહી છે અને અમારા પર દોષ ઓઢાડવામાં આવી રહ્યો છે કે અમે પોલિટિક્સ રમી રહ્યા છીએ. વિશ્વ વિદ્યાલયોની સ્વતંત્રતા ખતમ કરવા માટેની આ યોજનાબ્ધ કોશિશ છે. અમારા પર સરકાર રાજનીતિ કરી રહી છે.

હૈદરાબાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પ્રત્યે સમર્થન દર્શાવતાં કન્હૈયાએ કહ્યું, હૈદરાબાદ કેન્દ્રીય યુનિવર્સિટીમાં રોહિત વેમુલાએ કરેલી આત્મહત્યાની વાતને ન્યાય અપાવવા જે અભિયાન શરૂ થયું છે તેની સાથે જેએનયુ પણ આ સંઘર્ષમાં સાથે રહેશે. બંને યુનિવર્સિટી વચ્ચે એક પ્રકારની સમાનતા છે. જે રીતે બંનેની સ્વતંત્રતા પર હુમલો કરવાનો પ્રયત્ન કરાયો છે અને સામાજિક ન્યાય માટે સંઘર્ષ શરૂ થયો. તે બંને યુનિવર્સિટીની વચ્ચેની સમાનતા દર્શાવે છે.

દેશદ્રોહના આરોપમાં જેલમાંથી છૂટા પછી આંધ્ર પ્રદેશના હૈદરાબાદ અને વિજયવાડામાં બે દિવસનો પ્રવાસ ખેડનાર કન્હૈયાકુમારે કહ્યું કે જાતિવાદ અને આર્થિક પછાતપણાની સામે પોતાની લડાઈ ચાલુ રહેશે. પરંતુ આગામી સમયમાં આવનાર વિધાનસભાની ચૂંટણીમાં કોઈપણ પ્રકારના પ્રચારમાં જોડાશે નહીં.

હૈદરાબાદમાં કન્હૈયાએ રોહિતની માતા સાથે પણ મુલાકાત કરી હતી. જોકે યુનિવર્સિટીમાં તેને સભા ભરવાની પરવાનગી આપવામાં આવી ન હોવાથી પોલીસે તેને કેમ્પસમાં મુખ્ય દ્વાર પર રોક્યો હતો.

You might also like